રક્ષાબંધન આપણા સમાજમાં એક અગત્યનો તહેવાર છે.
આપણા કૌટુંબિક સંબંધો આપણી સંસ્કૃતિ નું એક વિલક્ષણ પાસું છે. એટલે ભાઈ-બહેનની
એકબીજા પ્રત્યેની પ્રીતિને અભિવ્યક્ત કરવાના આ તહેવારનું આગવું મહત્વ છે.
મોટાભાગના કુટુંબોમાં આતહેવાર એક અવસર હોય છે. આ નિમિત્તે સમગ્ર કુટુંબ ભેગું થાય,
બહેન ભાઈને રાખડી બાંધે, મિષ્ટાન જમે અને કુટુંબ સાથે સમય વિતાવે.
રક્ષાબંધન ની પરંપરાને સમજાવતી ત્રણ પૌરાણિક કથાઓને આપણે બાળપણથી સાંભળતા આવ્યા
છીએ. એક, તો દેવ અને દાનવોના યુધ્ધમાં જ્યારે દેવો હારી રહ્યાં હતાં ત્યારે હિંમત
હારી ગયેલાં દેવોના રાજા ઈન્દ્રનું મનોબળ વધારવા ઈન્દ્રાણીએ તેમને રાખડી બાંધી
હતી. બીજી વાર્તા મહાભારતની છે. અભિમન્યુ
જ્યારે યુધ્ધમાં ઉતરશે એવું નક્કી થયું ત્યારે તેની સુરક્ષાની ચિંતા કરતાં કુંતી
માતાએ એની રક્ષા કાજે રાખડી બાંધી. ત્રીજીવાત મૃત્યુંના દેવ યમ અને તેમની બહેન
યમુનાની છે.
આ ઉપરાંત મધ્યકાલીન ઈતિહાસની મોગલ બાદશાહ હુમાયુ અને રાણી કર્ણાવતીની વાત પણ
ખુબ પ્રસિદ્ધ છે. રાણા ઉદયસિંહ ની માતા રાણી કર્ણાવતીએ મુઘલ રાજા હુમાયુને રાખડી
મોકલી હતી અને ગુજારાતના રાજા બહાદુરશાહ સામેના યુધ્ધમાં મદદ માંગી હતી. બધાં કિસ્સા યદ્ધ સાથે સંબંધિત છે. જેમાં
સ્ત્રી પાત્રોએ ક્યાંતો પોતાના પતિ, પુત્ર કે ભાઈની રક્ષાની પ્રાર્થનાના પ્રતિક રૂપે
રાખડી બાંધી અથવા દુશ્મનોથી બચવા ભાઈ પાસે રક્ષણ મેળવવા રાખડી બાંધી. યુદ્ધના
ઇતિહાસમાં સ્ત્રીઓની ભૂમિકા મુખ્યત્વે યોદ્ધાઓનું જોમ વધારનાર અને સાથે સાથે તેમની
રક્ષાની પ્રાર્થના કરનાર તરીકે જોવાઈ છે. યુદ્ધમાં હારેલા પક્ષની સ્ત્રીઓ હંમેશા
નિર્બળા બની રહે છે. વિજયી સેનાના સૈનિકો જીતની નિશાની રૂપે હારેલા પક્ષની સ્ત્રીઓ
પર અત્યાચાર કરતાં અને આજે પણ કરે છે. જેનાથી બચવા સ્ત્રીઓને રક્ષણની જરૂર હોવાની
સમજ છે.
સદીઓ થી ચાલતા આવેલા રક્ષા બંધનના પર્વમાં ‘રક્ષા’ કેન્દ્ર સ્થાને છે. બહેન જ્યારે ભાઈના કાંડા પર રાખડી બાંધે ત્યારેઈશ્વરને તેની સુરક્ષાની પ્રાર્થના કરે છે અને સામે ભાઈ બહેનનું રક્ષણ કરવાનું વચન આપે છે. સાથે કોઈ ભેટ પણ આપે છે. ભાઈ-બહેનના પ્રેમના પ્રતિક સમા આ તહેવારમાં લાગણીનું સૌન્દર્ય છે એની ના નથી. પણ એની વિભાવનામાં પિતૃ સત્તાક તત્વો રહેલાં છે. લૈંગિક સ્તરે સમાજમાં થતી ભૂમિકાની વહેંચણી આ તહેવારનો પાયો રચે છે. ભાઈના માથે બહેનનું રક્ષણ કરવાની જવાબદારી અને બહેનને ભાઈ રૂપી પુરુષના સુરક્ષા કવચની જરૂરીયાત. રક્ષાબંધન જેવા સુંદર તહેવારની પાછળના આ સંદેશ અને ભાવનાને થોડાં બદલવાની હવે જરૂર છે. એના અનેક કારણો છે.
એક, સ્ત્રીઓ ને ભાઈ તરફથી રક્ષાની જરૂર છે એવી
છુપી ધારણા આ તહેવાર પાછળ છે.ભાઈ જ બહેનની રક્ષા કરે એવું તો નથી. આજે સ્ત્રીઓ
સ્વરક્ષણ માટે સક્ષમ બની રહી છે. અને બનવું જ પડે. કારણકે, જ્યારે ભાઈને બહેનની
રક્ષાની જવાબદારી સોંપાય છે એ વિભાવનામાંથી જ કેટલાક વાંધાજનક સામાજિક લક્ષણો ઉભા
થાય છે. ભાઈ એક પુરુષ રક્ષક તરીકે હંમેશા બહેન કરતાં ચડિયાતો ગણાવાનો. રક્ષણની
જવાબદારી આવે એટલે બહેનની સ્વતંત્રતા પરની પાબંદી લાદવાની સત્તા પણ આવે. પરિણામે બહેનનું
સ્થાન ઓછાયામાં આવે. વળી, જો એક બહેનની રક્ષા કરતો ભાઈ બીજી છોકરીઓનો છેડનાર બની રહેવાનો હોય તો એ
માનસિકતા સામે સ્ત્રીઓએ આત્મ રક્ષણ કરતાં શીખવું જ પડે.
બીજું, માત્ર સ્ત્રીઓનેજ રક્ષણની જરૂર હોય એવું તો નથી.રક્ષણની જરૂર બધાને છે. રક્ષણ માત્રગુંડા તત્વો, કે યુદ્ધ સામે જ નથી મેળવવાનું. આપણા વિકાસની જે દિશા છે એમાં સ્ત્રી હોય કે પુરુષ, દરેક સામે આર્થિક, સામજિક, રાજકીય, પર્યાવરણના પ્રશ્નો,જેવાં અનેક ખતરા વધતાં ચાલ્યાં છે. જે બધાંની સામે રક્ષણ કવચની જરૂર છે. એમાં સૌ કોઈ એકબીજાના પડખે ઉભા રહી બરાબરીનો સામનો કરે તો જ નાવ પાર ઉતરે. જિંદગીભર એકબીજાના પડખે ઉભા રહેવાના વચન સાથે ભાઈ એ પણ બહેનને રાખડી બાંધવી જોઈએ.
કેટલાંય કુટુંબો એવા હશે જેમાં મોટી બહેનો વચ્ચે એકાદ ભાઈ લાડકોડમાં મોટો થતો હશે. ઉંમરમાં ઘણાં નાના ભાઈને રાખડી બાંધતી વખતે બહેનના મનમાં માત્ર એના પ્રત્યે પ્રેમની જ લાગણી આવતી હશે. નાનકડો ભાઈ એની રક્ષા ક્યાંથી કરવાનો છે. વળી, પુત્ર સંતાનની ઘેલછામાં ચાર-પાંચ દીકરીઓ પછી જન્મેલ પુત્રતો કુટુંબ માં હંમેશા નાનો જ રહે છે. મોટી બહેનો એને માટે બહેન અને માં બંને ભૂમિકા ભજવતી હોય છે. સોસાયટી કે મહોલ્લાના લડાઈ ઝગડામાં મોટી બહેનો પોતાના નાના ભાઈઓને બચાવતી હોય છે. કમાતી બહેનો નાના ભાઈની ઘણી જરૂરિયાતો પણ પૂરી કરીને એનું આર્થિક રક્ષણ પણ કરતી હોય એવાં કિસ્સા આપણા સમાજમાં ઓછાં નથી. આવા કિસ્સામાં ભાઈએ બહેનને રાખડી બાંધવી જોઈએ. પણ, આવા કુટુંબોમાં પણ બહેનો જ ભાઈ ને રાખડી બાંધે છે અને ભાઈ બહેનની રક્ષા કરશે એવી વિભાવના એમાં કામ કરતી હોય છે! બોલો, કેવી વિડમ્બણા!
આ તહેવારનું એક અગત્યનું પાસું ભાઈ દ્વારા
બહેનને અપાતી ભેટ છે. એમાં પણ પુરુષની ભૂમિકાનો ખ્યાલ પૈસા કમાનાર તરીકેનો છે. જ્યારે
આ તહેવાર શરુ થયો હશે ત્યારે આર્થિક સમીકરણો સ્ત્રીઓના હક્કમાં નો’તાં. એટલે કદાચ
ભાઈ તરફથી મળતી ભેટ દ્વારા બહેનની નાની-મોટી જરૂરીયાત સંતોષાય એવી વ્યવસ્થા હશે. આજે
પરિસ્થિતિ ઘણી બદલાઈ છે. સ્ત્રીઓ કમાતી થઇ
છે. ભાઈ પાસે ભેટ લેવામાં કોઈ વાંધો નથી, પણ એ પણ સામે ભેટ આપી શકે એટલી સક્ષમ થઇ
ગઈ છે. તો એ પણ સામે ભેટ આપી શકે.પ્રિયજનને આપેલી ભેટથી પ્રેમજ વધવાનો છે. શરત
એટલી કે પુરુષ પ્રધાન સમજના ડાબલાં ઉતારવા પડે.
સમય બદલાય અને સામાજિક પરિસ્થિતિ બદલાય એમ તહેવારો અને પરંપરાઓને આધુનિક સ્વરૂપ મળવું જોઈએ. રાખડીના દોરા પ્રેમ નું પ્રતિક છે. તો પછી એ માત્ર ભાઈ અને બહેન વચ્ચેજ કેમ? અ પ્રશ્ન આજની તારીખે ઉઠવો જોઈએ. કારણકે, પ્રેમ તો બહેન-બહેન વચ્ચે અને ભાઈ-ભાઈ વચ્ચે પણ હોવો જોઈએ.ઘણાં કુટુંબોમાં બે બહેનો એકબીજાને રાખડી બાંધતી જોઈ છે. જોકે, આ મુખ્યત્વે એવી જ બહેનો હોય છે કે જેમને ભાઈ નથી હોતો. આવા છૂટાં છવાયાં ઉદાહરણો થી આગળ વધી ને જો આ સામાજિક પ્રથા જ બનાવી દઈએ તો? જો દરેક ભાઈ અને બહેન પોતાના દરેક સહોદરને રાખડી બાંધે અને દરેક ભાઈ અને બહેન એક બીજાને ભેટ આપીને રક્ષાબંધન ઉજવે તો સ્ત્રી-પુરુષ નાં ભાગે આવતી જવાબદારીઓના બીબાઢાળ ખ્યાલ માંથી બહાર નીકળી વધુ તંદુરસ્ત સમાજ ભણી આપણે આંગળ વધીશું. એનાથી કૌટુંબિક ભાવના તો મજબુત જ થવાની છે. ‘રક્ષા’ની સંકલ્પના બહોળી થવાની છે. અને તે પણ લૈંગિક ભેદભાવ વગર.
(૧૧/૮/૨૦૧૭ નાં રોજ દિવ્યભાસ્કરમાં પ્રકાશિત)