જયારે જ્યરે લખવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે એક અનોખો આનંદ મળ્યો છે. લખાઈ શકાયાના
સંતોષની સાથે, વૈચારિક સ્પષ્ટતા હાંસલ થયાનો સંતોષ વધુ મળ્યો છે. એટલે એક વાત તો
ચોક્કસ, બેસી ને લખીએ તો બીજાને વાંચવું ગમે કે નહિ, પણ મન માં ઘમાસાણ મચાવતા અને
આડા- અવળાં અટવાતા વિચારો ને ચોક્કસ ઢાંચો મળે, અને સ્પષ્ટતા મળે. લખવું
જ હોય તો અવાર નવાર લખાતી ડાયરી લખવાનું ચાલુ રાખીજ શકાય છે. પણ, એનું મારા સિવાય
કોઈ વાચક નથી. બ્લોગનો ફાયદો છે કે લખાણ ઝાઝાં વાચકો સુધી પહોચે છે અને સારા-નરસા
અભિપ્રાય મળી રહે છે. વિષય વસ્તુની પસંદગીમાં સમાજ કેન્દ્રમાં હોયતો એ સંવાદમાંથી
ફૂટતા નવા ફણગા આચાર અને વિચારને નવી દિશા ચીંધી શકે તો એ બીજો ફાયદો.
બે વર્ષ સુધી
દિવ્યભાસ્કરમાં કોલમ લખતાં એ અહેસાસ થયો કે બીજાને વાંચવું ગમે એવી ભાષામાં લખી
શકાય છે. લોકો વાંચે પણ છે. અને પ્રતિભાવ પણ આપે છે. દર કોલમ પછી થોડાં ઘણાં ઈ-મેઈલ
દ્વારા પ્રતિભાવ મળ્યાં છે. કેટલાંક લોકોએ મારું લખાણ સમાજોપયોગી લાગ્યું એટલે
તેમણે વખાણ્યું, કેટલાંકે ચર્ચા આગળ વધારતાં મુદ્દાઓ રજુ કર્યા તો એક-બે એવાં પણ
હતા જેમને એવું પણ લાગ્યું કે મને સમાજની
સમજણ જ નથી અને મારા લખાણમાં એમને પાયાના વાંધા દેખાયા. ખેર, એમાંના મોટા ભાગના
લોકોને હું ઓળખતી નથી પણ તેમના પ્રતિભાવો વાંચી મને લાગ્યું કે તીર નિશાના પર લાગે
તો છે જ. અને ચર્ચા ઉભી થાય તો છે જ. તો પછી આ ચર્ચા ચાલુ રહેવી જોઈએ. અને એ માત્ર
મારા મિત્રો પુરતી સીમિત ના રહેતાં બહોળા વર્ગ સુધી પહોંચવી જોઈએ. આજના ઈન્ટરનેટના
જમાનામાં બ્લોગ જેવો સરળ ઉપાય હાથવગો હોય તો પછી એનો ઉપયોગ કરવો જ રહ્યો.
No comments:
Post a Comment