બજેટ ૨૦૨૦ અને મહિલાઓ
નાણામંત્રી નિર્મલા
સીતારામને શનિવારે વર્તમાન સરકારનું સૌથી લાંબુ બજેટ રજુ કર્યું. મંદીના ભરડામાં
સપડાયેલા અર્થતંત્ર માટેની ચિંતા સાથે સ્વભાવિક રીતે સૌની આંખો બજેટ ૨૦૨૦ પર
મંડાયેલી હતી. કારણકે વર્તમાન સંજોગોમાં સરકાર પાસે માત્ર કલ્યાણકારી પગલાં જ નહિ
પણ સક્રિય આર્થિક પગલાંની પણ અપેક્ષા હતી. બજારમાં મંદીનું મુખ્ય કારણ જો માંગની
કમી હોય તો સરકારના સીધા ખર્ચ દ્વારા માંગને ધક્કો મળે તો આર્થિક પ્રવૃત્તિઓના
ચક્રો ગતિમાન થાય. જે અંગે કોઈ ખાસ મોટી જાહેરાત થઇ નહિ.
આર્થિક ગતિવિધિઓની
સીધી અસર મહિલાઓના કલ્યાણ પર પડતી હોય છે. કુટુંબની ઘટેલી આવક સાથે ઘરખર્ચને
સંભાળવાની જવાબદારી સ્ત્રીઓની જ હોય છે તેમજ આર્થિક મંદીમાં રોજગાર ગુમાવનાર અને
નીચા વેતનદર સ્વીકારનાર મહિલા પહેલી હોય છે. સ્ત્રીઓની આર્થિક ભાગીદારીમાં સતત
ઘટાડો નોધાઇ રહ્યો છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં પ્રાથમિક કે માધ્યમિક શિક્ષણ
પામેલી મહિલાઓ ખુબ ઝડપથી શ્રમદળની બહાર નીકળી રહીછે. એમના કૌશલ્યને અનુરૂપ જ્યારે
કામની તંગી હોય ત્યારે ઓછા વેતન દરે મહિલા કરતા પુરુષને રોજગાર આપવા પર પસંદગી
ઉતરતી હોવાનું પણ નિષ્ણાતોનું અનુમાન છે. ગ્રામીણ ક્ષેત્રે ઘરેલું ખર્ચ સતત ઘટી
રહયો છે જે વર્તમાન મંદી માળખાકીય હોવા અંગેનો નિર્દેશ કરે છે. આ પ્રશ્નને
ગંભીરતાથી લેવો જ પડશે. મનરેગા જેવા સીધી રોજગારી આપવાના કાર્યક્રમો મંદીના
વિષચક્રને તોડવામાં થોડી મદદ કરી શકે એમ છે. ગ્રામીણ સ્ત્રીઓ મનરેગાનો ઘણો લાભ લે
છે. પણ બજેટ ૨૦૨૦-૨૧માં તો મનરેગાની નાણાકીય જોગવાઈમાં ઘટાડો થયો છે. ૨૦૧૯-૨૦ના
રીવાઈસ્ડ બજેટમાં મનરેગા માટે રુ. ૭૧,૦૦૨ કરોડની જોગવાઈ હતી, જેની સામે આ બજેટમાં
રુ. ૬૧,૫૦૦ની જોગવાઈ છે.
કૃષિ ક્ષેત્રને
સુગઠિત કરવાના પ્રયત્નોમાં ‘ધાન્ય લક્ષ્મી’ યોજનાની જાહેરાત થઇ જે અંતર્ગત
બિયારણના સંગ્રહનો પ્રબંધ મહિલા સ્વ સહાય જૂથને સોંપવાની વાત કરાઈ છે. મહિલા સ્વ સહાય જૂથોને આ માટે મુદ્રા અને
નાબાર્ડ તરફથી ટેકો આપવામાં આવશે. યોજનાની વિગતો હજુ જાહેર નથી થઇ. પ્રથમ દ્રષ્ટિએ
આ આવકારદાયી પગલું છે કારણકે અહી એક કાંકરે બે પંખી વીંધવાની શક્યતા રહેલી છે. એક
તરફ સ્વ સહાય જૂથોને લાંબા ગાળાનું રોકાણ કરવા માટેની તક ઉભ થશે. અને એમની નજર
હેઠળ સંગ્રહ સ્થાનો વધુ અસરકારક રીતે કામ કરી શકશે. પરંતુ, સ્ત્રીઓની ભૂમિકા સહાયક
તરીકેની જ રહે છે. સ્ત્રીઓને ‘ખેડૂત’ નો
દરજ્જો આપવાની દિશામાં હજુ પગલું ભરાયું નથી.
મહિલા વિકાસ માટે
સીધો ખર્ચ કરવા માટે રુ. ૨૮,૬૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે કુલ બજેટ ખર્ચના
૦.૯૪ ટકા છે. મહિલા વિકાસ અંગેની યોજનાઓની જાહેરાત કરતી વખતે નાણા મંત્રીએ કહ્યું
કે મહિલા કલ્યાણને સરકાર અગ્રીમતા આપે છે. પણ આપણો ગયા વર્ષનો અનુભવ કહે છે કે
મહિલા અને બાળ કલ્યાણ માટે ફાળવવામાં આવતાં નાણા વણવપરાયેલા પડ્યા રહે છે. દા.ત.
નિર્ભયા ફંડ માંથી કોઈ પણ ખર્ચ થયો હોય એવું સરકારી આંકડા માં દેખાતું નથી.
નાણામંત્રી એ જે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ની સફળતાની વાત કરી એ ભાજપાની ફ્લેગશીપ
યોજનામાં પણ રુ.૨૮૦ કરોડની ફાળવણીની સામે ડીસેમ્બર ૨૦૧૯ના અંત સુધીમાં માત્ર ૪૩.૯૪
કરોડ જ ખર્ચાયા હતાં (ફાઇનાન્સિયલ એક્સપ્રેસ- જાન્યુઆરી ૨૯ ૨૦૨૦). એટલે મહિલાઓ
અંગેની બજેટમાં થતી જાહેરાતો કાગળ ઉપર ખુબ આકર્ષક લાગતી હોય પણ એના અમલીકરણ માટે
રાજ્ક્ય ઈચ્છાશક્તિના અભાવને કારણે ધાર્યું પરિણામ મળતું નથી.
પોષણ અને આરોગ્ય
સંબંધી કાર્યક્રમો માટે રુ ૩૫,૬૦૦ કરોડની ફાળવણી થઇ છે. જેમાં ગર્ભવતી મહિલા, અને
ધાવતી માતાઓને અગ્રીમતા આપવામાં આવી છે જે આવકારદાયક છે. જેનાથી માતામૃત્યુ આંક
તેમજ બાળમૃત્યુ આંકને કાબુમાં લાવવામાં મદદ મળશે. છ લાખ આંગણવાડી કાર્યકરોને
સ્માર્ટફોન આપવામાં આવશે જેના દ્વારા તેઓ તેમના વિસ્તારોની સ્ત્રીઓના સ્વાસ્થ્ય
અને પોષણ અંગેની માહિતી અપલોડ કરી શકશે. સુક્ષ્મ સ્તરે જઈને માતા અને બાળકોના
સ્વાસ્થ્ય પર નિયંત્રણ રાખી શકાશે.
માતા મૃત્યુ આંક અને
લગ્નની ઉંમરને પણ સીધો સંબંધ છે. અને સ્ત્રીઓ માટે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી
કારકિર્દી ઘડવાની તકો પણ ઉઘડી રહી હોવાને કારણે છોકરીઓની લગ્ન વય વધારવા અંગે એક
વિશેષ કાર્યદળ ઘડવાની જાહેરાત કરવામાં આવી છે જે છ મહિનામાં તેમના સૂચનો આપશે.
કૌશલ વિકાસ (skill Development) માટે રુ.
૩,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. રોજગાર વાન્છુ મહિલાઓ ભાગે આમાંથી કેટલો
હિસ્સો આવશે એ હજુ સ્પષ્ટ નથી. કૌશલ વિકાસનાં નામે સ્ત્રીઓને મોટાભાગે બ્યુટીપાર્લર કે સીવણકામ જેવી ચીલાચાલુ જ તાલીમ
અપાતી હોય છે. આ કુશળતાનાં બજારોમાં હવે પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે જેથી એમાંથી
મળતી આવકનું પ્રમાણ ખુબ જ દબાયેલું અને નીચું છે. કૌશલ્ય વિકાસ માટે હવે નવીનતાથી
વિચારવું પડશે. અને સ્ત્રીઓને તેમના પરમ્પરાગત કાર્યોથી ઉપર ઉઠી આધુનિક કૌશલ્ય
માટે તૈયાર કરવી પડશે.
સ્ત્રીઓના
દ્રષ્ટિકોણ થી જોવા માટે ૨૦૦૪થી જેન્ડર સેન્સીટીવ બજેટ એટલે કે મહિલાઓ માટેની
બજેટની સંવેદનશીલતા અંગેનું વિશ્લેષણ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં
આવે છે. એ પ્રક્રિયામાં બજેટ તૈયાર કરતી વખતે જ જાતીય સંવેદનશીલતાનાં ચશ્મા પહેર્યા
હોય તો બજેટની અસરો વધુ સચોટ બનાવી શકાય એવી સમજ સાથે ગત એક સમિતિ
બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પણ આ સમિતિ
બની કે કેમ અને જો બની તો તેમના સૂચનો શું હતાં એ અંગેની કોઈ જ સ્પષ્ટતા નથી.
ભારતમાં જાતીય ભેદભાવનો સૂચનાંક છેલ્લાં વર્ષમાં વિપરીત થયો છે.
ખાસ કરીને આર્થિક બાબતે જાતીય ભેદભાવ વધ્યો હોવાનું દેખાય છે. આ સંજોગોમાં મહિલા
સશક્તિકરણ અંગે માત્ર બજેટની જોગવાઈઓ પુરતી નથી પણ મહિલાઓને સ્પર્શતા બધા
પ્રશ્નોને સુગઠિત રીતે સંબોધવાના પ્રયત્નોની જરૂર છે. જે માટે રાજકીય ઈચ્છાશક્તિ
હોવી એ પહેલી શરત છે.
No comments:
Post a Comment