Wednesday, August 8, 2018

પાયાની બાબતોમાં સ્ત્રી-પુરુષ ભેદભાવ


જેન્ડર ગેપ ઈન્ડેક્સના ચોંકાવનારા પરિણામો
૨૦૦૬થી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દર વર્ષે વિશ્વના ૧૪૪ રાષ્ટ્રોમાં જાતીય ભેદભાવ કેટલો છે તેના અંક્ડા રજુ કરે છે જે જેન્ડર ગેપ ઇન્ડેક્સ તરીકે પ્રકાશિત થાય છે.  છેલ્લાં દાયકામાં દુનિયા ભરમાં સ્ત્રી-પુરુષ વચ્ચેની અસમાનતા ઘટી રહી હોય એવું દેખાતું હતું. પણ, ૨૦૧૭નો રીપોર્ટ પ્રમાણે, જેન્ડર ગેપ ઓછો થવાને બદલે વધ્યો છે. ૨૦૧૬મા વિશ્વનો સરેરાશ જેન્ડર ગેપ ૩૧.૭ ટકા  હતો જે વધીને ૨૦૧૭માં ૩૨ ટકા થયો છે. આમતો આ વધારો ખુબ જ નાનો છે, પણ ૨૦૦૬મા જ્યારથી જેન્ડર ગેપની ગણતરીની શરૂઆત થઇ ત્યારથી આટલા વર્ષોમાં પહેલી વાર સૂચનાંક ઉંધી  દિશામાં ગયો છે. આ સૂચનાંક માપવાની જ્યારે શરૂઆત થઇ ત્યારે એવો અંદાજ હતો કે વિશ્વમાંથી જાતીય ભેદભાવ દુર કરવામાં આશરે ૧૭૦ વર્ષ લાગશે. પણ, આ વર્ષે જ્યારે પાછી પાની  થઇ છે એ જોતા એવો અંદાજ બાંધવામાં આવ્યો છેકે આર્થિક ક્ષેત્રે જાતીય ભેદભાવ દુર કરવામાં હવે  આશરે  ૨૧૭ વર્ષ નીકળી જશે.
સ્ત્રીને સમાન તકો મળે તો કોઈ પણ રાષ્ટ્રનો આર્થિક અને સામાજિક વિકાસ ઝડપી થાય એ વાતનો હવે લગભગ સાર્વત્રિક સ્વીકાર થયેલો છે. સમાન તકો નાં અભાવમાં  અડધી વસ્તીની પ્રતિભા અને ઉત્પાદન ક્ષમતા વણ વપરાયેલી અથવા અધુરી વપરાયેલી રહે છે. જો એનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો આર્થિક વિકાસને વધુ વેગ આપી શકાય એવો એક સીધો અને સાદો તર્ક છે. જેન્ડર ગેપ ઇન્ડેક્સ એટલે સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્રવર્તતી અસમાનતા.  વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ચાર પાયાના  અધિકારોમાં જાતીય ભેદભાવ માપતા ઇન્ડેક્સ તૈયાર કરે છે - આરોગ્ય, શિક્ષણ, આર્થિક ભાગીદારી અને રાજકીય ભાગીદારી - જે મૂળભૂત માનવ અધિકાર સાથે જોડાયેલા છે.  એટલે એમાં સમાનતા હોવી એ કોઈ પણ પ્રગતી શીલ સભ્ય સમાજની ન્યુનતમ જરૂરીયાત ગણી શકાય. ગેપ માપવાનું કારણ છે કે અસમાન તકને કારણે સ્ત્રીઓ કેટલા પ્રમાણમાં વિકાસની ટ્રેન ચુકી જાય છે એનો અંદાજ આંકી શકાય. જેના આધારે જે તે દેશની સરકાર યોગ્ય પગલાં લઇ અસમાનતાને દુર કરવાના પગલાં લઇ શકે. આ રીપોર્ટ સ્ત્રી સશક્તિકરણની વાત નથી કરતા પણ માત્ર પ્રવર્તમાન ભેદભાવની વાત કરે છે
ભારત નાં જેન્ડર ગેપ ઇન્ડેક્સ પર નજર નાખીએ તો ચોંકી જવાય એવી સ્થિતિ છે. ગયા વર્ષની સરખામણીમાં ભારતનો ક્રમ નોંધ પાત્ર નીચો ગયો છે. ૨૦૧૬માં વિશ્વના ૧૪૪  દેશોમાં આપણું સ્થાન ૮૭મુ  હતું જે ૨૧ પગથીયા નીચે ઉતરી  ને આ વર્ષે ૧૦૮મુ થયું છે. ભારતનો આ વર્ષનો આંક ૦.૬૬૯ છે, જે ૨૦૦૬નાં ૦.૬૦૧ કરતા અલબત્ત વધારે છે, પણ ૨૦૧૬માં આંક  ૦.૬૮૩ હતો તેની સરખામણીમાં એક જ વર્ષમાં ૦.૧૪ પોઈન્ટ નીચે ઉતરી ગયો છે. ચાર માંથી ત્રણ  સૂચનાંકમાં આપણું સ્થાન શરમજનક રીતે પાછળ છે. માત્ર સ્થાન જ પાછળ ગયું છે એવું નથી  પણ આર્થીક ભાગીદારી અને આરોગ્ય ક્ષેત્રે અસમાનતા પણ વધી છે. આરોગ્યનો સૂચનાંક, જેમાં આપણું સ્થાન ૧૪૧મુ છે. એટલે કે નીચેથી ચોથું! આર્થીક ભાગીદારીનાં સુચનાંકમાં ૧૩૯ નીચેથી છઠ્ઠું! શિક્ષણમાં ૧૧૨. માત્ર  રાજકીય ભાગીદારીમાં ભારતનું સન્માનજનક સ્થાન છે – ૧૫મું.
એવું નથી કે ભારત અને અન્ય દેશોમાં સરકાર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી જાતીય ભેદભાવ દુર કરવાના પ્રયત્નો નથી થયાં. ભારતમાં  ઘણાં સુયોજિત પગલાંને કારણે સ્ત્રીઓમાં શિક્ષણ વધ્યું છે, રાજકારણમાં પણ સ્ત્રીઓ આવતી થઇ છે, ઉદ્યોગ સાહસિક સ્ત્રીઓની સંખ્યા પણ નોધપાત્ર છે. કોર્પોરેટ સેક્ટરના બોર્ડમાં પણ નવા કંપની એકટ પ્રમાણે સ્ત્રી પ્રતિનિધિનું હોવું જરૂરી છે. સરકાર સ્ત્રીઓના નાના વ્યવસાયોને આર્થિક ટેકો પણ આપે છે. સરકારી પ્રયત્નો માંથી એક સીસ્ટમ કેમ ઉભી નથી થઇ? અસમાનતા ઘટવાને બદલે વધી શા માટે?  
વિશ્વભરમાં ચાર સુચકો  પૈકી સૌથી ખરાબ દેખાવ સ્ત્રીઓની આર્થિક ભાગીદારીમાં દેખાયો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ આ માટે સદીઓ જુની બીબાઢાળ માન્યતાઓને જવાબદાર ગણે છે. કારણકે એની અસર જેતે દેશના કાયદા અને વ્યવસ્થા પર પડે છે. ત્રણ કારણોની ભૂમિકા ખુબ અગત્યની હોવાનું આ રીપોર્ટમાં નોધાયું છે.  એક, વર્લ્ડ બેન્કના એક રીપોર્ટ પ્રમાણે વિશ્વના ૧૫૫ દેશોમાં એટલે કે લગભગ ૯૦ ટકા દેશોમાં હજુપણ એક કે એકથી વધુ કાયદા એવા છે કે જે સ્ત્રીઓને ધંધો-વ્યવસાય વિસ્તારવામાં અવરોધ રૂપ છે. જેમાં જમીન માલિકીના કાયદો સૌથી અગત્યનો છે. ઘણાં દેશના જમીન માલિકીના કાયદા સ્ત્રીઓને સરખો હક આપતાં નથી.  આ ઉપરાંત બીજું કારણ છે ધિરાણની ઉપલભ્યતા. સ્ત્રી અને પુરુષને મળતા ધિરાણમાં વાર્ષિક ૩૦૦ બિલિયન ડોલરનો ફર્ક છે, જે બતાવે છે કે પુરુષોની સરખામણીમાં એટલી ઓછી સ્ત્રીઓ ધિરાણ લેવાનું જોખમ ખેડે છે, તેમજ નાણાકીય સંસ્થાઓ માં પણ સ્ત્રી અને પુરુષ પ્રત્યે ભેદભાવ યુક્ત વલણ હોઈ શકે. અને ત્રીજું કારણકે હજુ પણ બાળકોની યોગ્ય  સંભાળ લઇ શકે એવા બાળ ઉછેર કેન્દ્ર કે ઘોડિયા ઘરનાં અભાવે બાળકના જન્મ પછી સ્ત્રીઓ આર્થીક પ્રવૃત્તીમાંથી બહાર નીકળી જાય છે.
ભારત જેવા વિકાસશીલ દેશમાં  જેન્ડર ગેપ વધવાનું એક બીજું પણ કારણ હોઈ શકે જે તપાસવું રહ્યું. વધતી આર્થિક અસમાનતા અને સતત બગડતા પર્યાવરણ નો ઘણો મોટો બોજ સ્ત્રી પર આવે છે, જેને કારણે છોકરીઓ અને સ્ત્રીઓ ઘણી તકોથી વંચિત રહી જાય છે. પાણીનાં તળ નીચા  જવાને કારણે સ્ત્રીઓએ લાંબુ ચાલીને પાણી ભરવું પડે છે કે પછી લાંબી લાઈનમાં ઉભા રહી પાણીની તજવીજ કરવી પડે છે. ગોચર પરનો કબજો લોકોના  હાથમાંથી જવાથી તેમને  ઢોર ચરાવવા વધુ  દુર જવું પડે છે અથવા બજારમાંથી ચારો ખરીદવો પડે છે. આપણા  ગામોમાં આવા આર્થિક કારણો સર શાળાએ ના જતી બાળાઓની સંખ્યા ઘણી મોટી છે. ગ્રામ્ય વિસ્તારમાં કામ કરનાર કર્મશીલોનું અવલોકન છે કે ગુજરાત જેવા આર્થિક રીતે સધ્ધર રાજ્યમાં પણ  ખેતી ની આવક ઘટતાં અને કોઈ વૈકલ્પિક વ્યવસાયના અભાવે આર્થિક તંગી અનુભવતા કુટુંબોમાં કન્યાના બાળ વિવાહ પણ મહદ અંશે વધ્યાં છે! અલબત્ત, આવા કિસ્સાઓનું પ્રમાણ ઘણું નાનું હશે. ઉપરાંત, આ અવલોકનો છે એટલે વધુ વૈજ્ઞાનિક ઢબે તપાસ માંગી લે છે. છતાંય, આ અવલોકનોથી ચોંકવા જેવું તો ખરું જ. કારણકે, એ ઉલટી પ્રક્રિયાના ચિહ્ન છે. તેમજ એનાથી એ પણ સાબિત થાય છે કે છોકરીઓને સમાન તક મળવી જોઈએ એ વાત હજુ સામાજિક ધોરણ બન્યું નથી. એટલે જ્યારે આર્થિક આંચકા આવે છે ત્યારે પહેલો કાપ છોકરીના મૂળભૂત માનવ અધિકાર પર આવે છે. એટલે સ્ત્રીઓને  ટેકો આપનારી યોજનાઓ ઉપરાંત આર્થિક આંચકાને ખમવા માટે કુટુંબને રક્ષણ પૂરું પાડે એવી યોજના પણ વિકસાવવાની દિશામાં વિચારવું  જોઈએ.
(૧૫/૧૨/૨૦૧૭ના રોજ દિવ્યભાસ્કરમાં પ્રકાશિત)



No comments:

Post a Comment

અમૃતોત્સવ નિમિત્તે બળાત્કારીઓની સજામુક્તિ....

                                                       (છબી સૌજન્ય: Hindustantimes.com) જ્યારે નિર્ભયા પર બળાત્કાર થયો ત્યારે આખા દેશે એકજુટ...