Wednesday, August 8, 2018


સ્ત્રીઓના અવેતન કામનું રાષ્ટ્રીય આવકમાં મહત્વનું યોગદાન


વિકાસનો સૌથી મોટો માપદંડ એટલે રાષ્ટ્રીય આવકની વૃદ્ધિ. રાષ્ટ્રીય આવક એટલે નિર્ધારિત સમયમાં બધાં દેશવાસીઓએ મળીને કરેલું કુલ ઉત્પાદન. એમાં અંબાણી અને અદાણીની આવકથી માંડીને સવારે રસ્તા પરનો કચરો વાળતાં કરસનભાઈ એ કરેલ સેવા/ઉત્પાદન આવી ગયાં.રાષ્ટ્રીય આવકને રાષ્ટ્રીય ઉત્પાદન પણ કહેવાય. અર્થશાસ્ત્રીઓ વૃદ્ધિ દર વધારવાની અલગ અલગ વ્યૂહ રચના ઘડે અને મૂડી રોકાણ ખેંચી લાવી ઉત્પાદન વધારવાની નીતિ બનાવે જેથી ઉંચો વૃદ્ધિ દર જળવાઈ રહે. પણ, રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉત્પાદનનો બહુ મોટો હિસ્સો ગણતરીમાંથી બાદ રહી જાય છે કારણકે વિશ્વભરમાં માન્યતા પામેલ આ વિભાવના કેટલું ઉત્પાદન થયું એ નથી માપતી પણ કેટલું ઉત્પાદન બજારમાં આવ્યું એ માપે છે. જે ઉત્પાદનની બજાર કિંમત હોય, જેને માટે ખરીદનાર પૈસા આપવા તૈયાર હોય એજ ઉત્પાદન રાષ્ટ્રીય ઉત્પાદનની ગણતરીમાં સ્થાન પામે. જે ઉત્પાદન બજાર સુધી પહોંચે નહી એની કોઈ વિસાત નહિ!
સ્ત્રીઓના ભાગે આવતાં મોટાં ભાગના કામ બજાર લક્ષી નથી હોતાં. રસોઈ બનાવવી, બાળકોનો ઉછેર, ઘરની સફાઈ, ઘરના વડીલોની સંભાળ, કુટુંબમાં કોઈ માંદુ પડ્યું તો એની સંભાળ, ઘર ચલાવવા કરવી પડતી ખરીદી વિગેરે. બધાં કામો સ્ત્રીના માથે હોય છે. ગ્રામીણ વિસ્તારમાં જઈએ તો પાણી ભરવાનું, ઇંધણના લાકડા લાવવાનું અને ઢોરનું વાસીદું કરવાનું કામ પણ સ્ત્રીના માથેજ હોય. એનો દિવસ વહેલી સવારે શરુ થાય અને ઘરમાં સૌથી છેલ્લો પૂરો થાય. આ બધાં કામોની અર્થતંત્ર પર મહત્વની અસર હોવાં છતાંયકહેવાય તો એમજ કે એ કોઈ કામ નથી કરતી! એની કોઈ ગણતરી નથી કારણકે એનું કોઈ વળતર નથી!આપણા દેશના આંકડા વિભાગની એક ગણતરી મુજબ પુરુષો કરતાં સ્ત્રીઓનો ૧૦થી ૧૨ ગણો સમય ઘર સાથે સંકળાયેલી અવેતન પ્રવૃત્તિઓ પાછળ ખર્ચાય છે જેની રાષ્ટ્રીય આવકમાં કોઈ ગણતરી થતી નથી.બજારમાં ના વેચાતું હોય અને જેનો ઉપયોગ માત્ર ઘરેલું વપરાશ માટેજ થાય એવું ઘણું ઉત્પાદન થતું હોય છે જે સમાજને નિભાવવા માટે ઘણું મહત્વનું હોય છે. એનો ટેકો અર્થતંત્રને નભાવવા માટે નાનોસૂનો નથી છતાં એની ગણતરી રાષ્ટ્રીય આવકમાં થતી નથી.
શ્રદ્ધા એસ.એસ.સી સુધી ભણી. કુટુંબની ગરીબીને કારણે એણે ભણવાનું છોડી દીધું અને એ નજીકમાં જ એક ફ્લેટમાં એકલા રહેતાં યુવાન બેંકના અધિકારીને ત્યાં મહીને ૫૦૦૦ ના પગારે રસોઈ અને ઘરકામ કરવાની નોકરી શરુ કરી. વર્ષના અંતે શ્રદ્ધા ૬૦૦૦૦ રૂપિયા કમાઈ, એટલેકે તેણે રૂપિયા ૬૦૦૦૦ જેટલું રાષ્ટ્રીય ઉત્પાદન કર્યું ગણાય. એક વર્ષ પછી શ્રદ્ધાએ પેલા  બેંક અધિકારી સાથે લગ્ન કરી લીધાં. હજી પણ એ એજ ઘરમાં એજ કામ કરે છે. પણ હવે એ પત્નીની હેસિયતથી કરે છે એટલે એને એ માટે કોઈ વળતર મળતું નથી. શું એના લગ્નને કારણે એણે ઉપાર્જિત કરેલ ઉત્પાદન શૂન્ય થઇ ગયું? એનું કોઈ મુલ્ય જ નહિ? અહીં પ્રશ્ન એ નથી કે એને વળતર મળવું જોઈએ કે નહી. પણ પ્રશ્ન એ  છે કે જે કામ જીવન માટે અગત્યનું છે પણ એ અવેતન થતું હોવાને કારણે શા માટે એને કોઈ માન્યતા જ નહિ? પગારદાર બાઈ તરીકે એણે વટભેર સવેતન રજા લીધી હોત પણ પત્ની તરીકે એજ કામમાંથી એને ક્યારેય રજા નથી મળવાની, ક્યારેય વળતર નથી મળવાનું અને ક્યારેય એના કામને માન્યતા પણ નથી મળવાની.
સવેતન ને અવેતન કામની વહેંચણીમાં ખુબ મોટી અસમાનતા છે. સવેતન કામનો મોટો હિસ્સો પુરુષોના ભાગે આવે છે જેને કારણે આવક ઉપર એમનો જ કબજો રહે છે અને તેઓ વધુ સત્તા ભોગવે છે. જ્યારે અવેતન કામ નો મોટા ભાગ નો બોજો સ્ત્રીઓ ઉપાડે છે જેને યોગ્ય માન્યતા ન મળવાને કારણે એમના કામનું મુલ્ય નીચું અંકાય છે અને તેમણે દબાતાં રહેવું પડે છે. એક ગણતરી પ્રમાણે  સ્ત્રીઓ જે કામ પોતાના કુટુંબ માટે નિશુલ્ક કરે છે એજ કામ અન્ય માટે કરીને જો એ વળતર મેળવે તો એની વ્યકતિગત આવકમાં ૩૦ ટકાનો વધારો થઇ શકે. અને જો આ કામને રાષ્ટ્રીય આવકની ગણતરીમાં લેવામાં આવે તો રાષ્ટ્રીય ઉત્પાદનમાં આશરે ૨૦ થી ૨૫ ટકા જેટલો મોટો વધારો થાય! રાષ્ટ્રીય આવક ગણવાની વર્તમાન પદ્ધતિથી  સ્ત્રીઓની માત્ર ૩૩ ટકા પ્રવૃત્તિઓ જ ગણતરીમાં લેવાય છે!
સ્ત્રીઓના નિશુલ્ક કામની કુટુંબ અને સરવાળે રાષ્ટ્રના અર્થતંત્રને કાર્યદક્ષ બનાવવાની બહુ મોટી ભૂમિકા છે. વિચારવા જેવું છે કે ઘરમાં માતા, પત્ની કે બહેન જે નાની –મોટી બધી જવાબદારી ઉપાડી લે છે એ સગવડ જો કુટુંબને ના મળતી હોત તો કુટુંબના બાકીના સભ્યોની કાર્યક્ષમતા કેટલી રહે? સવારની ચા-દૂધ  તૈયાર મળે એટલે સૌની ગાડી દોડતી થઇ જાય. રસોઈ તૈયાર મળે. ચોખ્ખાઈ મળે એટલે આરોગ્ય સાચવવાની ચિંતા કરવાની નહિ. કપડાં ધોવાઈને  ઈસ્ત્રી થઇ ને તૈયાર હોય જે પહેરીને ચાલવાજ માંડવાનું. અસ્ત વ્યસ્ત મુકાયેલી વસ્તુઓ એની જગ્યાએ ગોઠવાઈ ગઈ હોય એટલે એને શોધવામાં સમય બગાડવાનો ના રહે. જો આ સેવા ના મળતી હોય અને સૌએ આ બધું કામ જાતેજ કરવું પડતું હોત તો? શું પુરષો ઓફિસમાં હાલ જેટલું જ કામ કરી શકે? બાળકોને અભ્યાસ માટે આટલોજ સમય મળી રહે? સ્ત્રીઓ જેટલું કામ ઉપાડી લે છે એટલું યોગદાન એ કુટુંબ અને રાષ્ટ્રના અર્થતંત્રમાં તો આપેજ છે પણ સાથે સાથે બાકી સૌની કાર્યદક્ષતા વધારીને પણ રાષ્ટ્રના અર્થતંત્રને વેગવંતુબનાવે છે.
અવેતન કામની ગણતરી માટે વિશ્વભરના દેશો નિસબત બતાવી રહ્યાં છે. આ અંગે વીસ વર્ષ પહેલાં રસપ્રદ ચર્ચા શરુ થઇ. ૧૯૯૫માં બેજિંગમાં લૈંગિક સમાનતા વિષય પર યુ.એનનું  મહિલા સંમેલનયોજાયું ત્યારેબે દલીલ સામસામે થઇ. એક પક્ષ એવું માનતો હતો કે સ્ત્રી-પુરુષ વચ્ચે રહેલી અસમાનતાનો પાયો આવક પરના નિયંત્રણમાં રહેલો છે. સ્ત્રીઓ પાસે જો આવક હશે તો એમનો સામાજિક દરજ્જો સુધરશે. એટલે સંમેલનનું ધ્યેય સ્ત્રીઓને ૧૦૦ ટકા રોજગાર મળે એ હોવું જોઈએ. આ સામે બીજા પક્ષની દલીલ એ હતી કે ૧૦૦ ટકા રોજગાર અર્થતંત્ર માટે શક્ય નથી અને સમાજ માટે ઇચ્છનીય પણ નથી. અસમાનતાનું મૂળ  અવેતન કામને માન્યતા ન મળવાને કારણે છે. આ પક્ષે રોજગારની વ્યાખ્યા બહોળી કરી તેમાં અવેતન કામને પણ  સમાવી લેવાય એ પ્રસ્તાવ મુક્યો જેની ઉપર સભ્ય દેશોએ સમજુતી કરી. ભારતના આંકડા વિભાગે પણ અવેતન કામના કલાકોની ગણતરી કરવા મોજણી કરી છે. આ શરૂઆત ક્રાંતિકારી તો છે પણ હજુ અવેતન કામના મુલ્યની ગણતરી પર સર્વસ્વીકૃતિ સધાય એ માટે સદીઓ જુના પૂર્વગ્રહોથી માંડીને આંકડાકીય ગૂંચવણો સુધીના ઘણાં વિઘ્નોપાર કરવાના છે.
(૭ ઓક્ટોબર ૨૦૧૬ના દિવસે દિવ્યભાસ્કરમાં પ્રકાશિત)

No comments:

Post a Comment

અમૃતોત્સવ નિમિત્તે બળાત્કારીઓની સજામુક્તિ....

                                                       (છબી સૌજન્ય: Hindustantimes.com) જ્યારે નિર્ભયા પર બળાત્કાર થયો ત્યારે આખા દેશે એકજુટ...