શિક્ષક હોવાનો એક ફાયદો છે. વિદ્યાર્થીઓ આવીને
તમારી સાથે ઘણી વાત કરી જાય, જે ઘણાં અંશે સમાજની ગતિવિધિઓનું પ્રતિબિંબ હોય. એટલે
સમાજનો સીધો સંપર્ક રહે. મારે તો વળી એમ.બી.એ.નાં વિદ્યાર્થીઓ આવે, જે માસ્ટર્સ
કોર્સ હોવાથી એકવીસ-બાવીસ વર્ષની ઉંમરના
વિદ્યાર્થીઓ આવે. જેમની પાસે એક ડીગ્રીતો આવીજ ગઈ હોય. તેઓ મતાધિકાર પણ ધરાવતા હોય
એટલે આજનો યુવા મતદાતા શું વિચારે છે એનો પણ એક ચિતાર મળી રહે. ગયા અઠવાડિયાનો- દસ ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસના
માત્ર પાંચ દિવસ પહેલાંનો એક અનુભવ કે જેનાથી હું ધ્રુજી પણ ઉઠી અને ચિંતિત મને
વિચારતી થઇ ગઈ.
અમારી એડમીશનની પ્રક્રિયા
બહુ લાંબી હોય છે એટલે નવા વિદ્યાર્થીઓની બેચ હજુ હમણાં કોલેજમાં આવી. અમે દર
વર્ષે નવા વિદ્યાર્થીઓને આવતાના પહેલાં અઠવાડિયેજ ઇન્ડસ્ટ્રીઝનાં પ્રવાસે લઇ જઈએ.
એમને મઝા પણ આવે અને અમે જ્યારે ભણાવવાનું શરુ કરીએ ત્યારે થોડું એના સંદર્ભે
સમજવામાં તેમને સરળતા પણ રહે. આવા જ એક
પ્રવાસમાં મારે વિદ્યાર્થીઓને લઈને જવાનું થયું. હજુ વિદ્યાર્થીઓ નવા એટલે
અંદરોઅંદર એકબીજાનો પરિચય નહિ. એટલે થોડાંકતો એવા હોય કે જેઓ એકલાં રહેવાનું પસંદ
કરે. આવી જ એક છોકરીની બાજુમાં જઈને હું બેઠી. થોડી વારમાં એણે વાત શરુ કરી. જિંદગીમાં પહેલીવાર
એકટીવા લઈને જાતે કોલેજ આવવાની એને છૂટ મળી હતી. એનો એને એટલો રોમાંચ હતો કે અમારી
પહેલી મુલાકાતની પહેલી દસ મીનીટમાં જ એ મારી સાથે એ અંગે વાત કરી રહી હતી. મને એનો
રોમાંચિત ચહેરો જોવાની મઝા આવી રહી હતી. અમસ્તુ જ વાતનો દોર આગળ વધારવા મે એને
પૂછ્યું કે એ બી.કોમ કરતી હતી ત્યારે કોલેજ કેવી રીતે જતી હતી. બસ, આટલું પૂછતાં જ
એણે બોલવાનું શરુ કર્યું. કોલેજમાં રોજ એનો ભાઈ લેવા અને મુકવા આવતો. ટયુશન પર પણ
એજ લેવા-મુકવા આવતો. મારા ચહેરા પર કદાચ આશ્ચર્યના ભાવ આવી ગયાં. અઢાર-વીસ વર્ષની
કન્યાને રોજ એના ભાઈએ લેવા-મુકવા આવવું પડે એવી પરાવલંબતા મારી સમજની
બહાર હતી. વાહન ચલાવવાની મંજુરી ના એ સમજી
શકાય, કારણકે અમદાવાદના શિસ્ત વગરના ટ્રાફિકમાં જુવાન સંતાનને વાહન ચલાવવા દેવામાં
ઘણાં વાલીઓ ડરતાં હોય છે. એવા કિસ્સાઓમાં બાળકો બસમાં આવતા જતાં હોય. પણ રોજ ભાઈ
લેવા-મુકવા આવે એ કેવું? ભાઈનો પણ સમય નહિ બગડતો હોય? મારા મનમાં ચાલતા વિચારોના
પરિણામે મારા ચહેરા પર પ્રશ્નાર્થના ભાવ
કંડારાયેલા હશે જે એણે વાંચી લીધા અને ખુલાસો કર્યો કે “મને રસ્તા ખબર નથી એટલે
હું ભૂલી પડી જાઉં એનો ડર કુટુંબ માં સૌને રહ્યાં કરે.”
“તું અમદાવાદમાં નવી આવી છો? પણ તોય એકાદ વાર ભૂલા પડ્યા પછી રસ્તાતો આવડી જાય. અને
અમદાવાદમાં રસ્તા પૂછો એટલે સૌ કોઈ મદદ કરવા તૈયાર હોય છે.” મારાથી પ્રતિક્રિયા
આપ્યાં વગર રહેવાયું નહિ.
“ના...ના... અમે છીએ યુ.પી. નાં પણ હું તો અહી જ
જન્મીને મોટી થઇ છું.” એણે હસતાં હસતાં કહ્યું. અને પછી એક ઘટના કહી. કે એકવાર
આખું કુટુંબ લાંભાના મંદિરે દર્શન કરવા ગયા હતાં. લાંભાનું મંદિર અમદાવાદથી વીસેક
કિલોમીટર જ દુર છે. હવે તો એ શહેરનો જ ભાગ ગણાય એટલે લોકો સ્કુટર પર ત્યાં જતાં જ
હોય છે. એ દિવસે એ લોકો પણ સ્કુટર લઈને ગયા હતા. એક એકટીવા તે પોતે ચલાવતી હતી.
ભારે ટ્રાફિક ને કારણે તેઓ છુટા પડી ગયાં અને નારોલ ચોકડીથી એ ખોટા રસ્તે વળી ગઈ.
એ કદાચ શાહઆલમ કે દાણીલીમડા પહોચી ગઈ હશે. એને રસ્તો ના સમજાયો અને આજુબાજુની
વસ્તી જોઈ એ ડરી ગઈ. એણે ઇશારાથી મને દાઢી અને ટોપી બતાવ્યા. હું સમજી ગઈ એ શું
કહેવા માંગતી હતી. આ તો “એ લોકો” અને “આપણે” વાળી ભાષા બોલતી હતી. તરત જ મારાથી
બોલ્યા વગર નાં રહેવાયું “ અરે, એ લોકો પણ અમદાવાદના જ રહેનારા છે ને એમને પૂછ્યું
હોત તો રસ્તો બતાડ્યો હોત.”
“અરે, મેડમ, એમને જોઇને જ હું તો ગભરાઈ ગઈ. તો
પછી પૂછું કેવી રીતે? મને તો ત્યાં રસ્તામાં જ ઉભા ઉભા રડવું આવી ગયું!!!”
“એ લોકો પણ માણસ જેવા માણસ જ તો છે. તો પછી
ડરવાનું શું?” મારાથી સહજ બોલાઈ
ગયું.
“મેડમ, એમના વિષે એટલું સાંભળ્યું હોય ને કે પછી
બીક તો લાગે જ ને... મે તો તરત જ રડતાં રડતા
ભાઈને ફોન લગાવ્યો અને એ આવીને મને લઇ ગયો. બસ ત્યાર પછી હું એકલી એકટીવા
લઇ ને જતાં ડરતી. હવે સ્માર્ટફોન છે એટલે ગુગલ મેપની મદદથી કોલેજ આવી જાઉં છું.” આખી
વાત એણે ખુબ ગૌરવભેર કહી. એની વાતમાં અને એના ચહેરા પર સંતોષનો ભાવ પણ હતો કે એના
કુટુંબીજનો એની કેટલી કાળજી લઇ રહ્યાં છે. એક પુખ્ત વયની ભણેલી ગણેલી યુવાન છોકરી
માટે એની અણઆવડત, નાદાનિયત અને એમાંથી જન્મતુ પરાવલંબન જાણે ગૌરવ લેવા જેવી બાબત
હતી જેનો ખુબ જ સ્વાભાવિક સ્વીકાર હતો!!!
એનો પ્રતિભાવ સાંભળી હું ક્ષણ ભર થીજી ગઈ. મારું
મગજ સુન્ન થઇ ગયું. હવે સામે શું કહેવું મને ન સમજાયું. આ સંવાદ માંથી જે સાર
સમજાયો તે ખુબ ભયંકર હતો. આપણે આપણા બાળકોના મનમાં કેવું ઝેર ઘોળ્યું છે કે એક
જુવાન ભણેલી છોકરી અન્ય કોમના વિસ્તારમાં ભૂલથી પહોંચી જાય તો એને ક્ષણ ભરમાં એટલો
તો ડર લાગી જાય કે એને ઉભા ઉભા રડવું આવી જાય અને એને કોઈ માર્ગ નાં સુઝે એ હદે એ
મૂંઝાઈ જાય!!! ત્યાં ઉભેલા લોકોએ તો એની સાથે વાત સુધ્ધા નો’તી કરી. એ રસ્તાઓ
એટલાતો વ્યસ્ત છે કે કોઈનું કદાચ એના પર ધ્યાન પણ નહિ ગયું હોય. છતાં એક કાલ્પનિક
ડર એટલો તો મોટો હતો કે એક જુવાન જોધ છોકરી પોતાની સ્વતંત્રતા પર કાપ મુકવા તૈયાર
હતી.!!!! સચેત રહેવું બિલકુલ જરૂરી છે એ સમયની જરૂરિયાત પણ છે, પણ સચેતતા તો કોઈ
પણ વિસ્તાર હોય, જરૂરી છે. અનિચ્છનીય ઘટનાના સમાચાર શહેરના કહેવાતા પોશ
વિસ્તારોમાંથી વધારે આવે છે. સચેતતા અને ડર વચ્ચે મોટો ફર્ક છે. એ છોકરીને તે
ક્ષણે નહિ પણ સમય વીત્યા પછી પણ એવો વિચાર ના આવ્યો કે જો આ વિસ્તાર આટલોજ ખતરનાક
હોત તો તો ત્યાં રોજેરોજ ગુનેગારીની ઘટના બનતી હોત. એવા ગુનાતો શહેરની પોલીસ
ચોકીમાં નોધાયા નથી. અમદાવાદ તો પ્રમાણમાં સલામત શહેર ગણાય છે. તો પછી આ ડર આવ્યો
ક્યાંથી? એણે સાંભળેલી પેલી સાચી-ખોટી વાતો માંથી જ તો!!! તેમજ વોટ્સેપ પર વાંચેલા
ઝેર ઓકતા સંદેશાઓ માંથી. જેમાં રહેલું તથ્ય તપાસ્યા વગર લોકો જેને સાચું માની લે
છે.
અહી બીજો મુદો છોકરીના રક્ષણાત્મક વાતાવરણનાં
અતિરેકનો પણ છે. જે સમાજના ઘણાં મોટા વર્ગની માનસિકતાનું પ્રતિક છે. અસલામતીનો ભય
એ હદ સુધી ઘર કરી કરી ગયો હોય છે કે સલામતીના નામે છોકરીઓના સ્વતંત્ર રીતે જીવવા પર મોટા કાપ આવે છે.
વાલીકે ભાઈ તરફથી મળતી ‘રક્ષા’ના ગુણગાન એવાતો ગૌરવભેર ગવાતાં હશે કે છોકરીઓને પણ
રક્ષા કવચનું બંધનજ પોતાને માટે યોગ્ય
લાગવા લાગતું હશે.
કોમી દ્વેશ માંથી જન્મતા ભયના માર્યા છોકરીઓને દરેક
જગ્યાએ ભાઈ લેવા-મુકવા આવે એવા કુટુંબો કદાચ માર્યાદિત હશે પણ કાલ્પનિક ભયમાં
થથરનારા ઓની સંખ્યા નાની નથી. ભય હોય એટલે રક્ષણાત્મક પગલાં હોય જેનો પહેલો હથોડો
છોકરીઓની સ્વતંત્રતા પર ઝીંકાવા નો.
No comments:
Post a Comment