Wednesday, August 8, 2018

સ્ત્રીનું અવેતન કામ: સમાજના ઘણાં ખર્ચનું ભારણ



“એ કામ કરતી નથી” આ વાક્ય આપણે લગભગ દરેક ગૃહિણી માટે સાંભળતા હોઈએ છીએ.ભલે ને  સવારના સૌથી પહેલી ઉઠીને એ કામેજ વળગતી હોય, ઘર આખાની જવાબદારી એના માથે જ હોય અને  ઘરના બધા સભ્યોકરતાં એને આરામનો સમય પણ સૌથી ઓછો મળતો હોય. પણ એના કામને કોઈ નાણાંકીય વળતર મળતું ન હોવાથી કહેવાય તો એમજ કે “એ કામ કરતી નથી”.
કામને આવક સાથે જોડી દેવાય છે. એટલે જે કામ અવેતન થતું હોય એની કોઈ ગણતરી થતી નથી તેથી એ કામ દેખાતું પણ નથી. સવેતન અને અવેતન કામની વહેંચણીમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે જે મોટી અસમાનતા છે એની  લૈંગિક ભેદભાવને ટકાવી રાખવામાં ખુબ મોટી ભૂમિકા છે.દેખીતી રીતે મોટા ભાગનું અવેતન કામ સ્ત્રીઓના ભાગેજ આવે છેજેનો પાયો બંધાવાની શરૂઆત બાળપણથી જ થઇ જાય છે.છોકરીઓ જ માને પાણી ભરવામાં મદદ કરે, વાસણ ધોવા લાગે, ઘરની સાફ સફાઈ કરવા લાગે, નાના ભાઈ-બહેનોને સંભાળી લે અને રસોઈ પણ કરવા લાગે. ઘણાં કુટુંબો માંતો પુરુષો પાણીનો ગ્લાસ પણ જાતે નથી ભરતાં. યુનિસેફના એક અભ્યાસ પ્રમાણે ઘરનાં નાના મોટાં કામ પાછળ વિશ્વભરની પાંચથી ચૌદ વર્ષની ઉંમરની બાળાઓનો  ૫૫૦ મિલિયન કલાકનો સમય વપરાય છે જે એની જ ઉંમરના છોકરાઓ કરતાં ૧૬૦ મિલિયન કલાક વધારે છે!

ઘરકામમાં મદદ કરવી સારીજ વાત છે.છોકરો હોય કે છોકરી, ગરીબ હોય કે શ્રીમંત - એનાથી  બાળક આત્મનિર્ભર બનતાં શીખે છે. વાંધો ભેદભાવ સામે છે કારણકે એની બાળકોના  ઉછેર પર જે અસર છે તે ઘણી ગંભીર છે. છોકરીઓને તેમના ભાઈઓ કરતાં ભણવાનો, રમવાનો અને મનગમતી પ્રવૃત્તિ કરવાનો સમય ઓછો મળે છે જેની એના શારીરિક અને બૌદ્ધિક વિકાસ પર લાંબા ગાળાની અસર પડે છે. યુનિસેફના જ એક અભ્યાસ પ્રમાણે ઘરના કામકાજમાં બાળાઓ ટેકો કરવા રોકાય એટલે સ્કુલ જઈ  નથી શકતી અને ક્યારેક એને  સ્કૂલમાંથી ઉઠાડી પણ દેવાય છે. પરિણામે છોકરા અને છોકરીઓ સામે જીવનની જે તકો ઉભી થાય છે એમાં પણ ભેદભાવ ઉભો થવાનો. વળી, દરેક કામને સરખું સન્માન આપવાનું પણ બાળકો શીખતાં નથી. ઘરનું અવેતન કામ નીચું એટલે  છોકરીઓનું અને પૈસા કમાઈ ઘર ચલાવવાનું કામ છોકરાઓનું. પારમ્પરિક રીતે સ્ત્રીના ગણાતાં કામમાં પણ જ્યાં વળતર રળવાની તક ઉભી થાય છે ત્યાં પુરુષો વ્યવસાય તરીકે સ્વીકારેજ છે. દા.ત. કંદોઈ હોય કે હોટેલનો શેફ, વ્યાવસાયિક રીતે રસોઈ કળા અજમાવવાની હોય તો પુરુષો મોખરે હોય, પણ ઘરનાં રોટલાંતો સ્ત્રી જ ઘડે.

કામની સાર્થકતાને માત્ર નાણાંકીય મુલ્યમાં ગણવા જઈએ ત્યારે ઘણાં મહત્વના કામ ગણતરીની બહાર રહી જાય છે. હવે જગતભરના લોકો સ્વીકારે છેકે અવેતન કામની માનવ કલ્યાણ પર ખુબ મોટી અસર છે.આ વાત પર છેલ્લાં ત્રણેક દાયકાથી નારીવાદી અર્થશાસ્ત્રીઓ ભાર આપી રહ્યાં છે. પરિણામ રૂપે  કામની ગણતરી કરવા વૈકલ્પિક રીત વિકસાવવામાં આવી રહી છે જેમાં નાણાંકીય વળતર કરતાં વધારે ભાર કામના કલાકને આપવામાં આવ્યો છે. છેલ્લાં બે દાયકામાં વિશ્વના ઘણાં દેશોએ રાષ્ટ્રીય આવકની ગણતરી સાથે સમયના ઉપયોગની ગણતરી પણ કરવાનું શરુ કર્યું છે.સ્વભાવિક રીતે દરેક દેશના અભ્યાસ માંથી સાબિત થતું હતું  કે સ્ત્રીઓના કામના કલાક ઘણાં વધારે હોય છે.નાના મોટા ઘણાં કામ ઉપાડી લઇ સ્ત્રીઓ અર્થ તંત્રને મોટો ટેકો  કરે છે. નાણાંકીય અર્થતંત્રને સમાંતર દેખભાળ અને સારસંભાળનું અર્થતંત્ર ચાલે છે (Care Economy).‘કાંઈ કામ નથી કરતી’ માંથી ‘ઘણું કામ ઉપાડી લે છે’ એ વાતનો સ્વીકાર જ  અવેતન કામને માન્યતા આપવાની દિશામાં પહેલું  પગથીયું છે. આ સ્વીકાર થાય તો એના કામની ગણતરી થાય અને પછી એનું મુલ્ય અંકાય. આ ગણતરી પાછળનો ઉદ્દેશ હરગીઝ એ નથીકે સ્ત્રીને ઘરેલું કામ માટે વેતન મળવું જોઈએ એવી કોઈ માંગણી ઉભી થાય. એ પૈસા સ્ત્રીને હાથમાં કોઈ આપવાનુંનથી અને એ અપેક્ષા પણ ના હોઈ શકે.આ બધાં કામપાછળ લાગણીનું તત્વ હોય એટલે સમાજની તંદુરસ્તી માટે એ ઇચ્છનીય પણ નથી.પણ આ ગણતરી કરવાથી સમાજમાં કેટલું કામ થયું અને કેટલું  વળતર ચૂકવ્યા વિના થયું એનો સ્પષ્ટ ચિતાર મળે.તોજ નીતિ વિષયક નિર્ણયો લઇ શકાય.
ઘર આંગણે પાણી ના મળે ત્યારે  સ્ત્રીઓએ દુર સુધી ચાલીને પાણી ભરવા જવું પડે. દિવસના કેટલાં કલાક એમાં વપરાયાં એની ગણતરી માંડીએ અને એ કલાકોનો વેતન દર ગણીએ તો સ્પષ્ટ દેખાય કે પાણીની જોગવાઈ કરવાનો જે ખર્ચ સરકારી તિજોરીએ બચાવ્યો એ ખર્ચ ત્યાંની સ્ત્રીઓએ પોતાનો કીમતી સમય ફાળવીને પોતાના માથે ઉપાડ્યો.

ભારત જેવા ગરીબ દેશમાં આરોગ્યની સુવિધાઓનું ખાનગીકરણ થવાથી આરોગ્ય સેવાઓ મોંઘી થઇ. સસ્તા દરે આરોગ્ય અને નર્સિંગની સારી સુવિધાના અભાવે માંદા સભ્યની કાળજી લેવાની
જવાબદારી  ઘરની સ્ત્રીના ભાગેજ આવવાની. બાળક નાનું હોય ત્યારે તેની સારસંભાળ  માટે માતાએ  સવેતન કામ પડતું મુકવું પડે. પણ જો, કામના સ્થળે સારા ઘોડિયા ઘરની વ્યવસ્થા હોયતો માતા કામ પણ કરી શકે અને બાળકની જરૂરીયાત પણ સંતોષાઈ શકે. વૃધ્ધાવસ્થામાં ટેકો કરી શકે એવી સામાજિક સુરક્ષાના અભાવે ઘરના વડીલોની દેખભાળ સ્ત્રીજ રાખવાની. જેમાં એના સમય અને શક્તિ ખર્ચવાના. ખમતીધર કુટુંબમાં આ સેવાઓની સગવડ પૈસા આપીને થઇ જતી હોય છે પણ ઘરની આવક જેટલી ઓછી એટલું  આ કામનું ભારણ સ્ત્રીના માથે વધારે.

વળતરની દ્રષ્ટિ કરતાં પણ  અહી સ્ત્રીના કામના કલાક કેટલાં લંબાયા અને એના શરીરને જરૂરી આરામના સમયમાં કેટલો કાપ આવ્યો એ જાણવું જરૂરી છે. કારણકે આ પ્રશ્ન સ્ત્રીનો વ્યક્તિગત નથી પણ દેશના માનવ ધનનો છે. એટલે સરકારી નીતિમાં પણ એ પ્રત્યે સંવેદનશીલતા હોવી જરૂરી છે.

સરકારી ખર્ચમાં સવેતન અને અવેતન કામને મળતી અગ્રીમતા માં પણ ભેદભાવ દેખાય છે. આર્થિક વૃદ્ધિનો વેગ વધારતા ઉદ્યોગોને ટેકો કરવામાં લાંબો વિચાર કરવામાં સમય ન બગાડતી સરકાર નાણાના અભાવે ઉપર દર્શાવેલ વ્યવસ્થાનો જાહેર પ્રબંધ કરવામાં પાછી પડે છે. ઉલટાનું બજેટની ખાધ ઘટાડવાના પ્રયત્નો રૂપે સામાજિક ક્ષેત્રના ખર્ચ ઘટાડે છે. એનું ભારણ સમાજની સ્ત્રીઓના માથે આવે છે. એમાં એના સમય અને શક્તિતો ખર્ચાયજ છે પણ ઘણી વાર એણે એનું ઉપજાઉ કામ પણ છોડવું પડે છે. આમ જે ખર્ચ સમાજ વતી રાજ્યે કરવાનો હોય તે ખર્ચ બચાવવાનું ભારણ સમાજની સ્ત્રીઓના માથે આવે છે. જો આ કામને ગણતરીમાં લેવાય એનું મુલ્ય અંકાય તો ખબર પડે કે ક્યાંક કોઈકે તો કિંમત ચુક્વીજ છે.
(૨૧ ઓક્ટોબર ૨૦૧૬ના દિવસે દિવ્યભાસ્કરમાં પ્રકાશિત) 



1 comment:

અમૃતોત્સવ નિમિત્તે બળાત્કારીઓની સજામુક્તિ....

                                                       (છબી સૌજન્ય: Hindustantimes.com) જ્યારે નિર્ભયા પર બળાત્કાર થયો ત્યારે આખા દેશે એકજુટ...