Sunday, August 12, 2018

પેપરક્લિપ્સ: શાંતિનાં પાઠ ભણાવતા અવનવા પ્રયોગનો ચિતાર આપતી પુસ્તિકા




‘પેપર ક્લિપ્સ’ નામની ચોસઠ પાનાની પુસ્તિકા હાથમાં આવી. વડીલ મિત્ર રસીલાબેન કડીયાનું આ પુસ્તક, ચંદ્રકાંતભાઈ કડીયા – કડીયા સાહેબે  (રસીલા બેનનાં પતિ તેમજ  મારા અને કબીર માટે ખુબ આદરણીય મિત્ર) પુસ્તક મોકલાવ્યું એટલે વાંચવું જ રહ્યું. રસીલા બહેનનું ‘બસ, હવે બહુ થયું’ વાંચ્યું હતું અને લાઈબેરીયાની સ્ત્રીઓએ તેમના હક અને શાંતિના પ્રયાસો  માટે કરેલા સંઘર્ષ પરથી બનેલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મનાં આધારે રસીલા બેને એ પુસ્તક લખ્યું હતું, જે મને ખુબ સંવેદનશીલ અને માહિતી સભર લાગ્યું હતું. એટલે જ્યારે ‘પેપર ક્લિપ્સ’ હાથમાં આવી, અને વાંચ્યું કે એ પણ એક ‘સિક્સ મિલિયન પેપર ક્લિપ્સ’ નામના પુસ્તક અને એજ નામની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પરથીજ પ્રેરિત છે તો આ પુસ્તક ફટાક દઈને હાથમાં ચડી ગયું. અને વંચાઈ પણ ગયું.

અમેરિકાના ટેનેસી રાજ્યના મેરીઓન કાઉન્ટીના વિટવેલ નામના માત્ર સોળસો લોકોની વસ્તી ધરાવતા નાનકડા ગામની શાળાના એક પ્રોજેક્ટ વિષે આ પુસ્તક લખાયું છે. પ્રોજેક્ટ હતોજ એટલો રસપ્રદ કે એનું યોગ્ય દસ્તાવેજીકરણ થવું જ જોઈએ, અને વધારેમાં વધારે લોકો સુધી એ વાત પહોંચવી જ જોઈએ. ગામ નાનું. માત્ર સોળસો લોકોની વસ્તી, તે પણ માત્ર ગોરા પ્રોટેસ્ટંટ ખ્રિસ્તી લોકો. અન્ય ધર્મ, વર્ણ, ભાષા, રહેણીકરણી વિગેરેથી આ બાળકો સાવ અપરિચિત. ગામની એક માત્ર  શાળાના આચાર્યા લીન્ડા હૂપરને લાગતું હતું કે આ નાનકડા ગામમાં ભણતાં બાળકોનો બહારના વિશ્વ સાથે સંપર્ક જળવાઈ રહેવો જોઈએ  જેથી મોટા થઈને તેઓ બહાર જાય ત્યારે સંવેદનશીલ નાગરિક બને. અને સમય અને સમાજને અનુકુળ બનીને જીવતા તેમને આવડે. આવા જ મતલબની નિસ્બત કેટલાંક વાલીઓએ પણ દર્શાવી. મુદ્દો હતો બાળકોને એવા પ્રોજેક્ટમાં જોડાવાનો કે જેથી તેઓમાં સહિષ્ણુતા કેળવાય. તેમની સાથે ઉપાચાર્ય ડેવિડ સ્મિથ જોડાયા અને તેમના સૂચનથી બાળકોને હોલોકોસ્ટ વિશેના પ્રોજેક્ટમાં જોડવાનું નક્કી થયું. જેમાં બાળકોના મનગમતા શિક્ષિકા સેન્ડ્રા રોબર્ટ્સને જોડ્યા. તેઓ ઈન્ટરનેટ પર અભ્યાસ કરી બાળકોને નાઝી જર્મનીમાં આચરાયેલી માનવ ઇતિહાસની સૌથી મોટી કરુણાંતિકા વિશેની વાતો શરુ કરી. અલબત્ત તેમાં આ સમયે ૬૦ લાખ યહુદીઓને મોતના ઘાટ ઉતારવામાં આવ્યાં હતાં એ વાતતો કેન્દ્ર સ્થાને હોયજ. ૧૬૦૦ લોકોની વસ્તી ધરાવતા ગામના બાળકો ૬૦ લાખ યહુદીઓ એટલે શું એ સમજી ન શક્યાં એટલે પ્રોજેક્ટે નવું સ્વરૂપ લીધું. તેઓએ ૬૦ લાખ પેપર કલીપ ભેગી કરવાનું નક્કી કર્યું. ગામમાંથી ભેગી કરેલી પેપરકલીપ નો આંક તો આંક તો હજારોની સંખ્યાથી આગળ વધતો નો’તો, એટલે શિક્ષકો નાં પ્રયત્નોથી ગામ બહાર લોકોને પ્રોજેક્ટની જાણ કરાઈ અને એમ કરતાં દુર દુરના ગામોમાંથી સામાન્ય માણસો થી લઇ ને તાત્કાલીન રાષ્ટ્ર પ્રમુખ બીલ ક્લીન્ટને તેમજ જર્મની, પોલેન્ડ અને ઇટાલી જેવા નાઝી વિચારધારા નો ભોગ બનેલા દેશોમાંથી પણ લોકોએ  બાળકો માટે પેપર કલીપ મોકલી આપી. જ્યારે  પેપર કલીપ ની સંખ્યા ૬૦ લાખથી વધી ગઈ ત્યારે તેમણે માત્ર યહૂદી ઓ જ નહિ પણ નાઝીઓના ભોગ બનેલા સામ્યવાદીઓ, અન્ય રાજકીય વિરોધીઓ, વિકલાંગ, અશક્ત, સજાતીય સંબંધ ધરાવનારા લોકો ને પણ પ્રોજેક્ટમાં સમાવી લેવાનું નક્કી થયું. એ બધાં મળીને નાઝીઓ દ્વારા મારી નાખવામાં આવ્યાં હોય તેવા લોકોની સંખ્યા ૧૧૦ લાખ થતી હતી!!!! હવે આ પેપર કલીપ દ્વારા મૃતકોની સંખ્યા નો’તી ગણાતી પણ હવે દરેક મૃતાત્મા જેમને મૃત્યુ પછી યોગ્ય દફન નોતું મળ્યું તેમની સાદર સ્મૃતિ ચિન્હ બની ગઈ હતી. સ્વાભાવિક રીતે એમાં શાંતિ અને સહિષ્ણુતાની ભાવના વણાઈ ગઈ હતી.

ઘણાં લોકોએ પેપરકલીપની સાથે હોલોકોસ્ટ સમયના પોતાના અને પોતાના કુટુંબના અનુભવો વર્ણવતા ર્હદયદ્રાવક  પત્રો  લખી મોકલ્યા. જોવાનું એ છે કે વિટવેલનો પ્રોજેક્ટ વર્ષ ૨૦૦૦- ૨૦૦૧માં થાય છે ત્યારે બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયાને અડધા દાયકાથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં અસરગ્રસ્તોનાં મન પરથી એની અસર ગઈ નો’તી. એ ઘા તરત જ સપાટી પર આવી ગયાં. જે લોકોએ એ સમય જોયો એના પછીની પેઢીનાં હૈયે પણ એ દર્દ અંકાયેલું રહ્યું જે એની તીવ્રતા બતાવે છે. ભારત- પાકિસ્તાન નાં ભાગલાની યાદો જેમ આજે પણ આપણું કાળજું કંપાવી દે છે, એવું જ કાંઇક.
દુનિયાના અલગ અલગ ખૂણેથી લોકોએ પોતાની આપવીતી કહી અને પ્રોજેક્ટ સાથે જોડાઈ ગયાં. બાળકો એમની સાથે પણ જોડાતા ગયાં. પેપર કલીપ ઉપરાંત આ પત્રોનું દસ્તાવેજીકરણ કરવાનું પણ પ્રોજેક્ટનો ભાગ બન્યું. પ્રોજેક્ટ હવે માત્ર સ્કુલ અને તેના બાળકોનો નો’તો રહ્યો. તેમના વાલીઓ પણ એમાં જોડાયા, ધીમે ધીમે ગામના લોકો પણ એમાં જોડાયા. વિટવેલનું કોઈ પણ માણસ એવું નહિ હોય જેણે આ પ્રોજેક્ટ માટે પોતાનું યોગદાન આપ્યું નહિ હોય. પ્રોજેક્ટ પેપર કલીપ હવે સમગ્ર ગામનો બનો ગયો. સૌએ મળીને એક હોલોકોસ્ટ મેમોરીયલ બનાવવાનું નક્કી કર્યું. જે માટે જર્મનીથી યુદ્ધના સમયમાં બનેલો એક રેલનો ડબ્બો અમેરિકા મંગાવવામાં આવ્યો, જેનો ઉપયોગ યહુદીઓને ગેસ ચેમ્બર લઇ જવા માટે કરવામાં આવતો હતો. જર્મનીના રેલરોડ મ્યુઝિયમ પાસેથી  આ ડબ્બો મળ્યો જે જર્મન રેલ કંપનીએ જર્મનીના નેવીની મદદથી દરિયાઈ માર્ગે યુ.એસ. પહોંચાડ્યો અને યુ.એસ. ની રેલ કંપની સી,એસ,એક્સે  વિટવેલ પહોંચાડ્યો. બાળકોના આ પ્રોજેક્ટમાં આ તેમનું યોગદાન હતું.  

આખા પ્રોજેક્ટ દરમ્યાન બાળકો સમજતા ગયાં કે પરસ્પર ધિક્કારના કેવા ભયાનક પરિણામ આવી શકે છે. રાતો રાત યહુદીઓને કોઈજ કારણ વગર બેઘર કરી મુક્યા, કોન્સન્ટ્રેશન કેમ્પમાં અમાનવીય પરિસ્થિતિમાં રાખ્યા, કુટુંબો છુટા પડી ગયાં. આ બધી ઘટનાઓ સાથે બાળકો જોડાતાં ગયાં અને દુનિયાને જોવાનો તેમનો અભિગમ બદલાતો ગયો. કાળા લોકો પ્રત્યેની સહિષ્ણુતા પણ વધી. વર્ગની એક છોકરી સૌને કોઈ જ કારણો વગર નોતી ગમતી. તેના તરફ જોવાની દ્રષ્ટિ પણ બદલાઈ.  અને આવો ઈતિહાસ્તો ફરીથી નાં જ દોહરાવો જોઈએ એવી ભાવના બાળકોમાં દ્રઢ થઇ. પણ, વક્રતાતો જુઓ, જ્યારે જર્મનીથી સહિષ્ણુતાના પાઠને ટેકો કરવા શાંતિના પ્રતિક સમો રેલ્વે નો ડબ્બો બાળકો માટે વિટવેલ આવતો હતો ત્યારેજ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ની  ની ઘટના બની. પરસ્પર ધિક્કારના માનવ ઇતિહાસની એક બીજી મોટી કરુણાંતિકા!!!! પણ અહી અગત્યની વાત એ છે કે વિટવેલનાં બાળકોના મનમાં બદલો લેવાની ભાવના નો’તી જાગી પણ તેઓ એ સમજણ વિકસાવી શક્યા હતાં કે ધિક્કારથી માત્ર ધિક્કાર જ વધે છે જેના પરિણામે ઈતિહાસમાં  દુ:ખ, અશાંતિ અને કરુણાંતિકાજ નોધાય છે.

લખાણની દ્રષ્ટીએ મને ‘બસ, હવે બહુ થયું’ વધુ ગમ્યું હતું, પણ, આ પુસ્તકનું એક આગવું યોગદાન છે, ખાસ કરીને આજે જ્યારે સમગ્ર વિશ્વમાં અસહિષ્ણુતાનું વાતાવરણ ફરી એક વાર જામતું જાય છે ત્યારે... એ સમયે યહૂદી વિરુદ્ધ દ્વેષ હતો, જ્યારે આજે ઇસ્લામોફોબીયાથી અડધું જગત પીડિત છે. આપણા ઘર આંગણે જ્યારે ગાય બચાવવાના નામે જ્યારે ટોળું કોઈકને પીંખી નાખે છે ત્યારે ટોળાશાહી સામે આક્રોશ ઉભો થવાને બદલે આપણામાંના ઘણાં “એ લોકો” અને “આપણા વાળા”ની ભાવનામાં ખોખારીને બોલવાનું ટાળે છે ત્યારે આપણે સૌએ જાતને ઝંઝોટીને પૂછવાની જરૂર છે કે શું આપણે ફરી એક વાર ધિક્કારના રાજકારણનો શિકાર બની માનવ હત્યા ભણી આ સમાજને લઇ જઈ  નથી રહ્યાં ને?

આખા પ્રોજેક્ટનું બીજું પણ જે પાસું ભરીને આવે છે તે શિક્ષણ પ્રત્યેની એ દેશની અને ત્યાંના શિક્ષકોની સમજ. શિક્ષણ એટલે માત્ર ચોપડીયું જ્ઞાન નહિ. પણ, બાળકને એક સારા નાગરિક બનાવવાના પ્રયાસ. પ્રોજેક્ટ પેપર ક્લિપ્સ કોઈ પણ રીતે ગણિત, વિજ્ઞાન કે સમાજશાસ્ત્રના ઢાંચામાં બેસતો નથી. એ સાવ અલાયદોજ પ્રોજેક્ટ છે. છતાં  તેના પ્રત્યે શાળા, ત્યાંના શિક્ષકો અને વાલીઓ પણ પુરતી પ્રતિબધ્ધતા દાખવે છે. પરીક્ષાના પરિણામની રેસ માં હાંફતી આપની શાળાઓએ આમાંથી ઘણું શીખવાનું છે.

રસીલાબેનની રસ રૂચી પારખી આ ફિલ્મ જોવાની અને તે અંગે  નાં પુસ્તકની સુવિધા કરી આપનાર તેમની પુત્રવધૂ અંજુ હતી. આથી તેમણે આ પુસ્તક પુત્રવધૂ અંજુને અર્પણ કર્યું છે. આમ કરી રસીલાબેને સાસુ-વહુ અંગેના  બીબાઢાળ ખ્યાલને પણ તોડ્યો છે જેની નોધ પણ લેવી જ રહી.

હોલોકોસ્ટનાં અસરગ્રસ્તો યાદ કરી લઇ એમની સાથે ફરી એકવાર જોડાઈ લેવાથી એક નવો દ્રષ્ટિકોણ મળી શકે છે એ વાત આ પ્રોજેક્ટ દ્વારા ફલિત થઇ. અને એ વાત ભાવાનુવાદ કરી રસીલાબેને ગુજરાતી વાચકો સામે યોગ્ય સમયે મૂકવાનું ખુબ મોટું કામ કર્યું છે.




5 comments:

  1. ખુબજ સુંદર આલેખન....

    ReplyDelete
  2. Wonderful, in depth review.... seems like a great book. This kind of a step is very necessary in today's times. Whenever schools in India are compared with schools in the usa, we always say, education is better here. But I have felt that we only make them literate. We don't make them educated, sensitive beings. And that's why I like the system there.
    And what a great thing that it gradually involved parents and the entire community!
    Loved the title also👍

    ReplyDelete
    Replies
    1. So true.. That is one of the reasons why we find educated people in India falling prey to hate politics. They have never learned to know how others live.

      Delete
  3. Let us wish that we repeat the same experiment in Ahmedabad
    Conflictorium in Ahmedabad is worth visiting. WWW.conflictorium.com

    ReplyDelete
  4. Very useful, in depth review. I wish to read the book and would love to watch the movie. If we can replicate something similar it would be great learning or unlearning for us adults.

    ReplyDelete

અમૃતોત્સવ નિમિત્તે બળાત્કારીઓની સજામુક્તિ....

                                                       (છબી સૌજન્ય: Hindustantimes.com) જ્યારે નિર્ભયા પર બળાત્કાર થયો ત્યારે આખા દેશે એકજુટ...