Thursday, February 20, 2020

માસિક મલાજો કે ધાર્મિક ઉન્માદ




સ્ત્રીના માસિકને લઈને ભુજમાં જે ઘટના બની એ સંદર્ભે વીસમી સદીના જાણીતા ફિલોસોફર બર્ટ્રાન્ડ રસેલની વાત યાદ આવે છે. તેમના મતાનુસાર ધર્મ અને વિજ્ઞાનમાં જો કોઈ મહત્વનો ભેદ હોય તો એ છે કે ધર્મમાં કહેવાયેલી વાત સામે પ્રશ્ન કરી શકાતા નથી. એને સનાતન માનવામાં આવે છે. જ્યારે વિજ્ઞાનનો મૂળભૂત સિધ્ધાંત છે કે કોઈ પણ સિધ્ધાંત સનાતન નથી. વિજ્ઞાનની દરેક થીયરીને પડકારી શકાય છે જેમાંથી નવું જ્ઞાન ઉભું થાય છે અને સમાજ આગળ વધે છે. ભુજની ઘટના ધર્મ અને પરંપરાથી ડરીને વિજ્ઞાનના અસ્વીકારનું બીભત્સ સ્વરૂપ છે. 


સ્ત્રીઓના માસિકને ધર્મ સાથે જોડી અપવિત્રગણવાની ચાલુ રહેલી પ્રથામાં નવા જ્ઞાનના અસ્વીકારનો લઠ્ઠ અભિગમ જ છે. જેનાથી ઊંચ-નીચ, છૂત-અછૂતની પરંપરા થકી સમાજનું  પુરુષ પ્રધાન માળખુ કાયમ રહે છે. સ્ત્રીઓનું માસિક આવવું એક દૈહિક પ્રક્રિયા છે જેના સિવાય પ્રજનન શક્ય નથી. સ્ત્રીના ગર્ભાશયમાં ભેગું થતું લોહી નવા જીવનને પોષવા માટેની તૈયારી છે.  એક ડોક્ટર પાસેથી સમજેલી વાત મુજબ શરીર સૌથી ગુણવત્તા ભર્યું લોહી ગર્ભાશયમાં મોકલે છે જેથી નવા જીવને  પાંગરવા માટે ઉત્તમ વાતાવરણ સર્જાય. જ્યારે એ શક્ય નથી બનતું ત્યારે શરીર એનો નિકાલ કરે છે અને ફરીથી એ જ તૈયારી શરુ કરે છે. આ અનૈચ્છિક પ્રક્રિયા છે જેને વિજ્ઞાન કોઈ પણ દ્રષ્ટીએ 'અપવિત્ર' નથી માનતું. અલબત્ત એ સમયે સ્વચ્છતા જાળવવી જરૂરી છે જેવી શરીરની કોઈ પણ ઉત્સર્જન પ્રક્રિયામાં જરૂરી છે. અહીં એ પણ નોંધનીય છે કે પુરુષના શરીરમાં પણ સમાન  પ્રક્રિયા છે. વીર્યના ભરાવાનો શરીર જાતે  નિકાલ કરે છે, જેનો અનુભવ મોટાભાગના પુરુષો કરી ચુક્યા હોય છે. એ ભલે અનિયમિત અને ક્યારેક જ થતી પ્રક્રિયા છે, પણ અહીં મુદ્દો શારીરિક પ્રક્રિયાનો છે. પુરુષના વીર્યના સ્ત્રાવની સામે સામાજિક વાંધા-વચકા હોઈ શકે, પણ એને અપવિત્રનથી મનાતું. પુરુષોને કદી અછૂત હોવાનો અહેસાસ નથી થતો. રજસ્વલા સ્ત્રીએ પાળવા પડતા ચોકાને બાબાસાહેબ આંબેડકરે એક પ્રકારની અસ્પૃશ્યતા જ ગણાવી છે, જે બ્રાહ્મણવાદી પરંપરામાં સ્ત્રીઓને ઉતરતો દરજ્જો આપે છે.  સાથે અપવિત્રહોવાનું છોગું લગાવી દીધું અને શાસ્ત્રોની આણ આપી એટલે કોઈ પ્રશ્ન પણ ના કરે અને પરંપરા જળવાઈ રહે.


ભુજની શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટીટયુટની વિદ્યાર્થીનીઓને જે અપમાનનો અનુભવ કરવો પડ્યો તે કોઈ અચાનક બનેલી ઘટના નથી. માસિક વખતે પળાતી આભડછેટ આપણા સમાજમાં જૂની છે. કહેવાતા ભણેલા-ગણેલા અને સધ્ધર કુટુંબોમાં પણ આ પરંપરા ચાલે છે. એટલે જ જે  કન્યા છાત્રાલયની વાત છે ત્યાં માસિક દરમ્યાન વિદ્યાર્થીનીઓને  કોમન રસોડામાં પ્રવેશબંધી કરતો નિયમ એકવીસમી સદીમાં પણ પળાય છે. ત્યાંની વિદ્યાર્થીનીઓને પ્રવેશ લેતી વખતે જ આ નિયમ જણાવવામાં આવે છે. મોટાભાગની  છોકરીઓ પણ આજ મુલ્યો અને વિચારધારા સાથે મોટી થયેલી હોવાથી તેઓ પણ આ છૂતાછૂત સ્વીકારતી હોય છે. અહી સુધીની વાત તો ચાલતી આવતી પરંપરાનો ભાગ હોવાથી બહુ વાંધાજનક નથી. પણ જ્યારે લગભગ અડસઠ જેટલી વિદ્યાર્થીનીઓને તેમના આંતરવસ્ત્રો ઉતારી તેઓ રજસ્વલા નથી એની સાબિતી આપવા મજબુર કરવામાં આવી તે ઘટના ભયંકરતાની બધી હદ વટાવી ગઈ. 


વળી, આ સંસ્થા જે ટ્રસ્ટના નેજા હેઠળ ચાલે છે એ સ્વામિનારાયણ ભુજ મંદિરનાં સાધુ સ્વામી કૃશ્નાસ્વરૂપ દાસજીનાં વક્તવ્યનો વિડીઓ પણ વાયરલ થયો છે. ધર્મના રહસ્યના નામે કરેલી એમની વાત સાંભળી કાન પર વિશ્વાસ પડતો નથી  “જો તમે રજસ્વલા સ્ત્રીના હાથે ઘડાયેલો રોટલો ખાસો તો આવતા જન્મમાં બળદનો અવતાર પાક્કો..... અને જો કોઈ રજસ્વલા સ્ત્રી પોતાના પતિને રસોઈ બનાવીને જમાડશે તો એ આવતા જન્મે કુતરી બનશે....સત્તરમી સદીની લાગતી વાત આજે વિજ્ઞાનના સમયમાં કહેવાય છે અને સામે બેઠેલો પ્રેક્ષકગણ ભક્તિભાવે સાંભળે છે એ દર્શાવે છે કે ભલે આપણે ચંદ્ર અને મંગળ ઉપર પહોંચતા થયા અને ટેસ્ટટ્યુબ થકી ગર્ભાધાન કરી શકવાની ટેકનોલોજી વિકસાવી, પણ માનસિકતા હજુ પછાત જ છે. ટેકનોલોજીનો લાભ લઈ આધુનિક બનવાથી વૈચારિક રીતે વૈજ્ઞાનિક અભિગમ કેળવાતો નથી. ફરી એકવાર બર્ટ્રાન્ડ રસેલ યાદ કરીએ ધર્મનાં નિયમોમાં ભલે જે તે સમયની સમજ મુજબનું વૈજ્ઞાનિક તત્વ રહેલું હોય, પણ એ ત્યાં અટકી ગયું. જીવનનાં રહસ્યો સમજવામાં વિજ્ઞાન ઘણું આગળ નીકળી ગયું. પણ, દરેક ધર્મ તેમના કરતા-હરતાને આધીન રહી ગયા. વિજ્ઞાન તર્ક આપે છે. સાચાને સાચું અને ખોટાને ખોટું તાર્કિક  રીતે સાબિત કરતા શીખવાડે છે. પ્રશ્નો પૂછતા શીખવાડે છે. જ્યારે પ્રશ્નો પુછાય અને સ્થાપિત હિતોની સત્તા ડોલવા માંડે ત્યારે ધર્મકે શાસ્ત્રોનું ઉપરાણું લેવામાં આવે છે. 


સદીઓ પહેલાં રજસ્વલા સ્ત્રી પર પાબંદી મુકવાના રીતિરીવાજો સ્વચ્છતા અને આરોગ્યની જરૂરિયાતોમાંથી ઉભા થયા હશે. આજે  એકવીસમી સદીમાં એ પ્રશ્નો તો એટલા જ પ્રસ્તુત છે. આજની તારીખમાં પણ આશરે ચાલીસ ટકા સ્ત્રીઓ પાસે માસિક વખતે જરૂરી આરોગ્યપ્રદ સાધનો નથી. આજે પણ ઘણાં કુટુંબોમાં માસિક દરમ્યાન સ્ત્રી અલાયદી શણની પથારી પર સુએ છે. સ્ત્રીઓના  પ્રજનનતંત્રને લગતી તક્લીફો માંથી સિત્તેર ટકાનું મૂળ માસિક વખતે વપરાતી બિન-આરોગ્યપ્રદ પદ્ધતિમાં રહેલું છે. એક અંદાજ પ્રમાણે દર વર્ષે ૨૩ મિલિયન બાળાઓ માસિક શરુ થતાં જ અભ્યાસ ટૂંકાવી દે છે કારણકે શાળામાં વિદ્યાર્થીનીઓ માટેના અલગ શૌચાલય નથી હોતા. જો હોય છે તો પાણી નથી હોતું. એને સ્વચ્છ સેનેટરી પેડ નથી મળી શકતા. શુદ્ધઅશુદ્ધઅને પવિત્ર- અપવિત્રની અવૈજ્ઞાનિક વાતોમાંથી નીકળીને દરેક સ્ત્રી સુધી આરોગ્યપ્રદ પેડ કઈ રીતે પહોંચાડી શકાય અને સ્વચ્છતા જળવાય એ રીતે એનો નિકાલ કઈ રીતે કરી શકાય એના ઉપાયો શોધવા એ આજની જરૂરીયાત છે. જેનો ઉપાય પ્રવર્તમાન આભડછેટમાં નથી જ નથી. આભડછેટથી સ્ત્રીઓના મનમાં પોતાના શરીર વિષે શરમ ઉભી થાય છે અને મુખ્યધારાના કામોમાં તે ભાગ નથી લેતી. પરિણામે, સ્ત્રી -પુરુષ વચ્ચેનાં ભેદભાવના મૂળ મજબુત થાય છે.



કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, ખાસ કરીને ઉચ્ચ શિક્ષણની સંસ્થાના નીતિ-નિયમોમાં વૈજ્ઞાનિક અભિગમ અભિપ્રેત છે. શિક્ષણનું કામ જ સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનું છે. વળી, આ તો કન્યા વિદ્યાલય છે. જેના શિરે તો સ્ત્રી સશક્તિકરણની જવાબદારી પણ છે. જે માત્ર અક્ષરજ્ઞાનથી નથી આવવાની. સ્ત્રીનો સામાજિક દરજ્જો ગૌણ બનાવતા રીતિરીવાજોની ચુંગાલ માંથી બહાર આવવાનું પણ શીખવવું પડશે. પણ, આ કિસ્સામાં સ્ત્રી શિક્ષણની સંસ્થા પુરુષ પ્રધાન નિયમોના સુબેદાર બનવાનું કામ કર્યું છે. અને એ પણ વિદ્યાર્થીઓની ગરિમા હણાય એ હદ સુધી!!! વસ્ત્રો ઉતરાવવાની માંગ જાતીય હુમલાથી ઓછી ના જ ગણાય. આવી ઘણી સંસ્થાઓ સમાજમાં હશે જે શિક્ષણ ફેલાવવાના પ્રગતિશીલ કામની સાથે સાથે રૂઢીચુસ્તતાને કાયમ રાખવાનું કામ પણ પુરા ઝનુનથી કરતી હશે.   


છેલ્લાં થોડા વર્ષોમાં ધર્મનો જે ઉન્માદ ચડ્યો છે એમાં ધર્મના સ્વઘોષિત રખવાળા ઉભરાઈને સામે આવતા રહે છે. ધર્મ માટે કાંઈ પણ કરી છૂટવામાં તેઓ વિવેકભાન ચુકી જાય છે. ગૌ રક્ષા માટે સરેઆમ કોઈ માણસનો જીવ લેતું ટોળું હોય કે પછી ધર્મ અભડાઈ ના જાય એની તકેદારી રાખવા વિદ્યાર્થીનીઓના કપડાં ઉતરાવતા શાળાનાં સંચાલકો હોય - બંનેમાં આ એક સામ્યતા રહેલી છે. તેમને પોતાના કર્મ વ્યાજબી લાગે છે કારણકે તેઓને મન પોતે ધર્મની રક્ષા કરી રહ્યા છે. એમને સામેવાળાની માનવ અધિકાર કે માનવ ગરિમા સાથે સહેજે લેવાદેવા નથી. ધર્મનો સાચો અર્થ સમજાવવાને બદલે જ્યારે એની પીપુડી માત્ર અને માત્ર ઝનૂન જગાડવા માટે વગાડાય છે તેવા આજના દોરમાં આવા સ્વઘોષિત ધર્મરક્ષકોને છુટ્ટો દોર મળી રહ્યો છે જેઓ પોતાના અર્થઘટન પ્રમાણે સક્રિય પગલાં લઇ રહ્યાં છે - જે ભલેને ગેરકાનૂની હોય. એમના કૃત્યને સીધું કે આડકતરું અનુમોદન મળી રહ્યું છે. આ દોરમાં સ્ત્રીઓના માનવાધિકાર ભંગના પ્રસંગો વધશે એ ડર અસ્થાને તો નથી.  




3 comments:

  1. વાત એકદમ સાચી , આપણી ચળવળના ઘણા મુકામ ,આ એક નવો પડકાર !

    ReplyDelete

અમૃતોત્સવ નિમિત્તે બળાત્કારીઓની સજામુક્તિ....

                                                       (છબી સૌજન્ય: Hindustantimes.com) જ્યારે નિર્ભયા પર બળાત્કાર થયો ત્યારે આખા દેશે એકજુટ...