Thursday, September 13, 2018

પરિવર્તનનો પગરવ



ઉચ્ચ મધ્યમ વર્ગમાંથી આવતી યુવાન સ્ત્રીઓમાં પોતાના જીવન અને કારકિર્દી પ્રત્યેના અભિગમમાં ઝડપથી ફેરફાર થઇ રહ્યો છે. આ વર્ગની સ્ત્રીઓમાં ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. એન્જીનીયરીંગ, મેડીસીન, આર્કિટેક્ચર, એમ.બી.એ. કે પછી માસ કોમ્યુનીકેશન જેવા વ્યવસાય લક્ષી કોર્સમાં પણ છોકરીઓનું પ્રમાણ વધતું દેખાય છે.   અલબત્ત છોકરા – છોકરી નું પ્રમાણ ૫૦:૫૦ જેટલું હજી નથી પહોંચ્યું. પણ બદલાવ ચોક્કસ છે. આજે પણ  એક તરફ જ્યાં ગરીબ વર્ગની છોકરીઓ પ્રાથમિક શિક્ષણ સુધી માંડ પહોંચી શકે છે અને મધ્યમ વર્ગની છોકરીઓ પોતાનાં અભ્યાસને ટકાવી રાખવાનો સંઘર્ષ કરવો પડે છે, ત્યારે આંખોમાં કારકિર્દીનાં સપનાં સજાવેલી આત્મવિશ્વાસથી છલકાતી છોકરીઓ આશાનું કિરણ જન્માવે છે.

થોડા વર્ષો પહેલાં જ્યારે કોઈ છોકરી વ્યવસાય લક્ષી કોર્સમાં પ્રવેશ લેતી  ત્યારે એવું કહેવાતું કે એણે એક સીટ બગાડી. કારણકે ડીગ્રી મેળવ્યા પછી પણ લગ્ન કરીને એ ઘર સંભાળી ને જ બેસશે એવી એક આશંકા  એની પાછળ રહેતી. જોકે બે- ત્રણ દાયકા પહેલાં એ આશંકા સાવ અસ્થાને પણ નો’તી. મોટા ભાગની છોકરીઓની કારકિર્દી તેમના પતિ અને સાસરિયાની મરજી મુજબ જ નક્કી થતી એટલે ઘણું ખરું  તેમને ભાગે  ઘરની દીવાલ પાછળ ચુલો ચોકો સંભાળી ઠરીને ઠામ થઇ રહેવાનું આવતું. જોકે  આજે પણ મોટાભાગની સ્ત્રીઓની પરિસ્થિતિ એવીજ છે.

પણ છોકરીઓનો એક નાનકડો વર્ગ નવો ચીલો ચાતરી રહયો  છે. આ વર્ગ બોલકો છે, સામાજિક- આર્થિક રીતે પોતાનું વજન ધરાવે છે, એટલે મીડિયામાં પણ છવાયેલો રહે છે.  અને તે બદલાવનો ચહેરો બની ગયો છે.  હવે કોઈ છોકરીએ એડમીશન લઈને સીટ બગાડી એવું કોઈ કહેતું નથી. એની પાછળ બે કારણો છે. એક તો શિક્ષણના ખાનગીકરણના સમયમાં વ્યવસાય લક્ષી શિક્ષણની એટલી બધી કોલેજો ખુલી ગઈ છે કે ડીગ્રી વાંચ્છુંઓને સીટ  ઓછી પડતી નથી. અને બીજું કે ડીગ્રી મેળવ્યા પછી ઘણી છોકરીઓ પોતાની કારકિર્દીને પ્રાથમિકતા આપે છે.  ઘરની અને વ્યવસાયની બેવડી જવાબદારીને બખૂબી નિભાવી લેવાનો આત્મવિશ્વાસ એમનામાં છે. કામના લાંબા કલાકો, સમયની અનિયમિતતા, અવારનવાર કરવા પડતાં પ્રવાસ, કે પછી દિવસો સુધી ઘરથી દુર રહેવાની જરૂરીયાત આ  છોકરીઓને બાધારૂપ નથી લાગતાં. પોતાના પસંદગીના કામમાં સંપૂર્ણ નિષ્ઠા સાથે, ઓતપ્રોત થઈને, સો ટકા પ્રતિબધ્ધતા સાથે કામ કરવાની ખુમારી તેમનામાં છે.

લગ્ન પણ આ છોકરીઓ માટે જરૂરીયાત છે અને એને પ્રાથમિકતા પણ આપતી હોય છે. પણ કારકિર્દીના ભોગે નહિ. એકાદ દાયકા  પહેલાં પણ જો લગ્ન લાયક છોકરીઓને એમ પૂછવામાં આવે કે શું તેઓ લગ્ન પછી  નોકરી કરવાનું પસંદ કરશે તો મોટે ભાગે જવાબ મળતો  કે “જો સાસરીયા વાળા કરવા દેશે તો જરૂર કરીશું.” “એમને સમજાવવાની કોશિશ કરીશું – બાકી નસીબ પર છે”.  હવે એવી છોકરીઓ પણ મળવા લાગે જેમને મન આ પ્રશ્ન જ અસ્થાને હોય. કારણકે તેઓ મૂળભૂત રીતે માનતા હોય કે નોકરી કરવી કે ના કરવી એ એમનો વ્યક્તિગત નિર્ણય છે, જે કોઈની મંજુરી પર નિર્ભર નથી. એમનું કામ એમની ઓળખાણનો જ ભાગ છે. એટલે કામ ના કરવું એ વિકલ્પ જ નથી. સામજિક દબાણ સામે ઝુકવા કરતાં લગ્ન ના કરીને એકલાં રહેવાનું પસંદ કરે એવું બને.

મોટાં શહરોમાં આશા જન્માવતા ઘણાં દંપતિ એવા જોવા મળે કે જ્યાં પતિ – પત્ની સમાનતાને વર્યા હોય. બંને પોતાની કારકિર્દી પ્રત્યે સમર્પિત હોય અને એવાતનો સંપૂર્ણ સ્વીકાર હોય. બંને સાથે  મળીને ઘર અને કુટુંબની જવાબદારી પણ નિભાવતા હોય. આવા કિસ્સામાં તેમણે જોયેલાં કૌટુંબિક મુલ્યો, આગલી પેઢીનું શિક્ષણ અને આકાંક્ષાઓ, તેમજ આધુનિક શિક્ષણની બહુ અગત્યની ભૂમિકા છે. જેમણે માતા-પિતા બંનેને કામ કરતાં જોયાં છે, પરસ્પર આદર સાથે જીવતા જોયાં છે એમને  માટે  સંબંધમાં સમાનતા જ જીવનનો રસ્તો છે. તેઓ ભવિષ્યના સ્વસ્થ અને સમાનતા સભર સમાજ માટેનું ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે.

આ સાથે એ પણ હકીકત છે કે પોતાની પત્ની સ્વતંત્ર રીતે નોકરી કરતી હોય એવું જાહેર કરનારા પુરુષોનાં મનમાં ઘણાં જાળા હોય છે. પત્નીને નોકરી કરવાની મંજુરી આપીને તેઓ સમાનતામાં માનતા હોવાનાં ભ્રમમાં રાચે છે. ‘મંજુરી’નો હક તો તેમના જ હાથમાં. સ્ત્રીની આગવી કારકિર્દી હોય એ વાતની સ્વાભાવિકતાનો સ્વીકાર હોતો નથી. કામ કરતી પત્નીની ઈચ્છા રાખનાર  અને સ્વતંત્ર કારકિર્દી ધરાવતી પત્નીને સ્વીકારનાર વચ્ચે ફર્ક છે. પત્નીની કારકિર્દી પ્રત્યે પણ ઘણાં ‘જો’ અને ‘તો’ હોય છે. પત્ની નોકરી કરતી હોય એ ગમે, એમાં આધુનિકતાનો અહેસાસ થાય.  પણ આ નોકરી બેન્કમાં કે પછી કોઈ સ્કુલ કે કોલેજમાં હોય તો વધારે સારું છે કારણકે ઘર અને નોકરી બંને સચવાઈ જાય. પણ જો એ કોર્પોરેટ સેક્ટરમાં ઊંચા હોદ્દા પર હોય, એન્ત્રપ્રેન્યોર હોય  કે પછી પત્રકારત્વ કે મીડિયામાં કામ કરતી હોય તો એ ના ચાલે. કામના લાંબા કલાકોમાં ઘર ન સચવાય. નોકરી કરવી અને કારકિર્દી ઘડવામાં ફર્ક છે. કારકિર્દી ઘણો સમય માંગી લે. કામને ઊંડાણથી સમજવાની લગન માંગી લે. અને ઘર સાચવવાની જવાબદારી તો સ્ત્રીની જ, એમાં ભાગીદારી હોઈ શકે એ વિચાર હજુ પ્રચલિત નથી. 

બોલીવુડની ગપસપમાંથી પણ સમાજની બદલાતી તરાહ વર્તાય.   અભિનેત્રીઓ કેવો પતિ પસંદ કરશે એ માટે ઘણાં લોકોને ઘણું કુતુહલ હોય, એટલે બોલીવુડની ગપસપ છાપતાં મેગેઝીનમાં અભિનેત્રીઓના ઇન્ટરવ્યુમાં એમના મિ.રાઈટ અંગેના પ્રશ્નો ઘણી વાર જોવા મળી જાય. એક વાત ઘણી બધી અભિનેત્રીઓ પાસે થી સાંભળવા મળે કે એને સમજી શકે, એના કામની કદર કરી શકે એવો પુરુષ એમને માટે મિ. રાઈટ છે. જ્યારે પુરુષોની પત્ની પાસેની આ અપેક્ષા વણ કહી જ હોય. સ્ત્રીઓ માટે તેમના કામનો  સાદર સ્વીકાર એ અલગ માપદંડ રાખવો પડે છે. 

એવું નથી કે સ્વતંત્રતા અને સમાનતાના સપનાં જોતી બધી છોકરીઓ માટે જીવન આસાન હશે. આમાંની ઘણી છોકરીઓને પોતાના સપના સાથે સમજુતી કરવી પડશે. સમાજના દબાણ સામે અને કુટુંબ પ્રત્યેની લાગણી સામે ઝુકી જવું પડશે. કુટુંબ અને કારકીર્દીની  વચ્ચેની પસંદગીમાં ઘણી છોકરી માટે કુટુંબને પસંદ કરવા સિવાય વિકલ્પ નહિ હોય. જેઓ પોતાની ઓળખ જ્વલંત કારકિર્દી થકી જોતી હતી  તેઓની ઓળખાણ ‘શ્રીમતિ’ના  પ્રત્યય સાથે કોઈની પત્ની માત્ર બનીને રહી જશે. છતાંય આ છોકરીઓ આશા જન્માવે છે. તેઓ સીધી કે આડકતરી રીતે પરિવર્તનની એજન્ટ બની રહી છે. જે ઈચ્છા, મહત્વાકાંક્ષા તેમણે પોતાના માટે સેવી તેને આવનાર પેઢી થકી સફળ બનાવવાનો પ્રયત્ન કરશે. સંઘર્ષ ઘણો લાંબો છે. બદલાવ ધીમો પણ મક્કમ છે. એજ તો આશાનું કિરણ છે.

(૨૩/૨/૨૦૧૮ના રોજ દિવ્યભાસ્કરમાં પ્રકાશિત લેખના આધારે) 



No comments:

Post a Comment

અમૃતોત્સવ નિમિત્તે બળાત્કારીઓની સજામુક્તિ....

                                                       (છબી સૌજન્ય: Hindustantimes.com) જ્યારે નિર્ભયા પર બળાત્કાર થયો ત્યારે આખા દેશે એકજુટ...