(છબી સૌજન્ય: Hindustantimes.com)
જ્યારે નિર્ભયા પર બળાત્કાર થયો ત્યારે આખા દેશે એકજુટ થઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ન્યાયની માંગણી કરી હતી. ન્યાયની પુકારમાં ફાંસીથી ઓછી કોઈ સજાને સ્થાન ન હતું. આજે, આઝાદીના અમૃતોત્સવ નિમિત્તે, જ્યારે બિલકિસ બાનુ પર ૨૦૦૨ના રમખાણ દરમ્યાન બળાત્કાર કરનાર, કુટુંબની આની સ્ત્રીઓ પર બળાત્કાર કરી હત્યા કરનાર અને કુટુંબના તેર વ્યક્તિની હત્યા કરનાર ૧૧ વ્યક્તિઓની સજામુક્તિની દરખાસ્ત ગુજરાત સરકારે મંજૂર રાખી ત્યારે દેશ વિભાજિત થયેલો ભાસે છે. એક તરફ માનવ અધિકારો માટે સતત સજાગ એવા વર્ગે આ નિર્ણય સામે વિરોધ નોધાવ્યો છે. બીજી તરફ સત્તાની નજીક રહેનાર અને તેમના સમર્થકોને આ નિર્ણય યોગ્ય લાગે છે. તો વળી, હમેશા અત્યંત વાચાળ રહેનાર લોકોના એક મોટા વર્ગે ચૂપ રહેવાનુ પસંદ કર્યું છે. ફરી એકવાર સાબિત થયું છે કે લોકોની સંવેદનશિલતા દરેક પીડિતા સ્ત્રી પ્રત્યે એક સમાન નથી. સંવેદનશિલતા ધર્મ, જ્ઞાતિ, કે પછી વર્ગની ચાળણીમાં ચળાઈ ને આવે છે.
બિલકિસના ગુનેગારો ૧૪
વર્ષથી જેલમાં છે, પણ
એનાથી એમની સજા પૂરી થતી નથી. સરકારની
નિર્દેશિકા (કેન્દ્ર તેમજ રાજય સરકાર બંને) પ્રમાણે બળાત્કાર અને સામૂહિક હત્યાના
ગુનેગારોને સજામુક્તિના વિકલ્પ થી બાકાત રખાયા છે. પોતાની જ નિર્દેશિકાથી વિપરીત સરકારે જે
દયાભાવ દાખવ્યો છે તે ગેરકાનૂની તો છે જ, સાથે સાથે આ ઘટનાથી સમાજ માં જે સંદેશ જાય છે એ પણ ખૂબ ગંભીર
છે. સમાજમાં પ્રતિક (સિમ્બોલ) નું મહત્વ હોય છે. બિલકિસ બાનુનો કેસ એક થી વધુ
સામાજિક- રાજકીય પ્રક્રિયાના પ્રતિક સમાન છે. સૌથી પહેલું, માણસ અને જાનવર વચ્ચેનો ભેદ ભૂલાવતું કોમી ધિક્કારનું હળાહળ વિષ. બીજું, સામાજિક સંઘર્ષના સમયે સ્ત્રીઓ પર સધાતુ સીધું નિશાન. સમાજના માનના પ્રતિક રૂપે દાવ પર લાગતું સ્ત્રીનું સન્માન. જેના પરિણામે તેના તન અને મન પર થતાં સીધા આક્રમણ. અને
આખી પ્રક્રિયાના સરવાળા રૂપ સાબિત થતી પુરુષપ્રધાન માનસિકતા. ત્રીજું, એક સ્ત્રીનો ન્યાય માટેનો સંઘર્ષ. પ્રત્યેક ધમકીઓ અને દબાણો સામે અડીખમ
ઊભા રહેવાની તેની હિમ્મત. ન્યાયિક પ્રક્રિયામાં દર્શાવેલી અસાધારણ આસ્થા.
કુટુંબીજનો, ખાસ કરીને તેના પતિ તરફથી તેને મળેલો ટેકો. આખી
પ્રક્રિયાએ બેસાડેલું ન્યાય માટેના
સંઘર્ષનું ઉદાહરણ. ચોથું, કેસમાં મળેલો યથાયોગ્ય ન્યાય, જેનાથી સમગ્ર સમાજમાં
ઊભો થયેલો ન્યાયિક પ્રક્રિયા પ્રત્યેનો વિશ્વાસ. ગુનેગારોની સજા કે સજામુક્તિ
ઉપરોક્ત બધા પ્રતીકોના સંદર્ભે મૂલવવી પડે.
જેલ માંથી છૂટેલા કેદીઓનું થઈ રહેલું સ્વાગત (છબી સૌજન્ય: news18.com)
હાર-તોરા અને મીઠાઇ (છબી સૌજન્ય: Hindustantimes.com)
જો તંદુરસ્ત સમાજની
સ્થાપના માટે કોમી સૌહાર્દ જળવાઈ રહે એ ઉદ્દેશ્યનું મહત્વ લાગતું હોય અને
બળાત્કારની પીડિતા સ્ત્રીઓને કાનૂની રાહે ન્યાય મળી શકે છે એ વિશ્વાસ સમાજમાં ઊભો
કરવો હોય તો ધિક્કારના ઝેર થકી પાશવી કૃત્યો આચારનારને એમની સંપૂર્ણ સજા મળવી જ
જોઈએ. અપેક્ષાથી વિપરીત સજામુક્તિ નક્કી કરવા ઘડાયેલી સમિતિના નવે નવ સભ્યો એક મતે
અગિયારે અગિયાર આરોપીઓની સજા માફ કરવાનું નક્કી કર્યું. તેઓ ‘ઊંચા’ કુળના ‘સંસ્કારી’ લોકો છે, એવી દલીલ
કરવામાં આવી. જેલમાંથી બહાર આવવાના ટાણે મીઠાઇ વહેંચવામાં આવી અને હાર- તોરા
કરવામાં આવ્યા- એક રીતે એમના દુષ્કૃત્યને નવાજવામાં આવ્યું. આ પ્રકારની સામાજિક
સ્વીકૃતિને કારણે સજા કાપ્યા પછી ગુના બદલ
જે અફસોસની ભાવના અપેક્ષિત હોય એની શક્યતા ઓછી છે. એ હકીકત પણ ભુલાવી ન જોઈએ કે આ
ગુનેગારો બિલકિસના પાડોશી છે, એના આખા કુટુંબને ઓળખે છે, અને તેમને વર્તમાન સત્તાધીશોનો ટેકો છે. હવે જ્યારે તેઓ મુક્ત છે તો
બિલકિસ અને તેના પરિવારજનો પર કેવો ખતરો ઊભો થશે એની કલ્પના કરવી મુશ્કેલ નથી. સૌથી
અગત્યનો પ્રશ્ન એ છે કે સમાજ તરીકે આપણા નૈતિક મૂલ્યો કયા સ્તરે જઈને બેઠા છે.