છેવટે ગૃહમંત્રાલય તરફથી લોક ડાઉનમાં ફસાયેલા
હજારોની સંખ્યામાં શ્રમિકોને પોતાના વતન પરત જવાની મંજુરી આપવામાં આવી છે.
આજે આંતર્રાષ્ટ્રીય મજદૂર દિવસે તે સૌના
પ્રવાસની વ્યવસ્થાની શરૂઆત થશે. સમાચારપત્રો નોધે છે કે ભાજપાની અંદરથી જ ગૃહ
મંત્રાલય ઉપર દબાણ ઉભું થયું કારણકે, સ્થળાંતરિત શ્રમિકોની જે કટોકટી ઉભી થઇ
તેનાથી પક્ષને રાજકીય નુકશાન જવાનો ભય ઉભો થયો.
માનવીય સંવેદના કરતાં તેમનું મતદાતા તરીકેનું વજૂદ વધુ કામ કરી ગયું.
લોકશાહીનો આટલો ફાયદો ખરો.
પ્રવાસી શ્રમિકોની હાલાત અને એમાંથી ઉભો થયેલો
અજંપો કટોકટી સુધી કેમ પહોંચ્યો એ સવાલ પૂછવો અગત્યનો છે. લોક ડાઉનની જાહેરાત વખતે
સરકારે કહ્યું કે જે જ્યાં છે ત્યાં જ રોકાઈ જાઓ, સરકાર તમારી દૈનિક જરૂરિયાતની
સંભાળ લેશે. પણ, જેમણે સરકારી મદદ માટે આજીવન ધક્કા જ ખાધા હોય અને જેમને હાલાકી
સિવાય કશું મળ્યું ના હોય એ વર્ગને સરકારના વચનો બોદા જ લાગે. એમાય વળી, અઠવાડીયા-
દસ દિવસ સુધી રેશન વિતરણની વ્યવસ્થા ન સ્થપાય ત્યારે રોજ નું રળીને રોજ ખાનાર વર્ગ
સામે ભૂખમરો મોઢું ફાડીને ઉભો હતો. અલબત્ત, નાગરિક સમાજે અન્ન સુરક્ષાની ઘણી
જવાબદારી ઉપાડી લીધી અને અનેક લોકોને ભૂખથી બચાવ્યા. પણ, શ્રમિકોને જે એમના હકનાં
ધોરણે મળવું જોઈતું હતું એ દયા ભાવે ઉપકાર તરીકે મળ્યું. આત્મ સન્માનની તો એમાં
વાત જ ક્યાં કરવાની?
સમાનતાના મૂળભૂત અધિકાર સાથે સામાજિક સુરક્ષાની આધિકાર વણાયેલો
છે. પણ, સામાજિક સુરક્ષા આપતી મોટાભાગની સંસ્થાઓ સાવ પડી ભાંગી છે – મોટાભાગે આજ
સુધીની સરકારોની ઉપેક્ષાને કારણે અને બાકી હતું તે ખદબદતા ભ્રષ્ટાચારના કારણે. આ સંસ્થાઓની ભૂમિકા બજારની વ્યવસ્થા ક્યારેય
નિભાવી ન શકી. હાલાકીની જિંદગીને કારણે શ્રમિકોના મનમાં વર્ષોથી સરકાર અને સરકારી
વ્યસ્થા પ્રત્યે અવિશ્વાસની લાગણી ઉભી થયેલી છે એ માટે કોઈને આશ્ચર્ય ન થવું જોઈએ.
કટોકટીના સમયે આ અવિશ્વાસ અજંપો બનીને સામે આવ્યા છે ત્યારે સામાજિક વિતરણની
વ્યવસ્થાને ‘સમાજવાદી’ છોગું માનીને અવહેલના કરતા પહેલાં એની ભૂમિકાની અગત્યતા
અંગે નવેસરથી વિચારવું રહ્યું.