Saturday, April 25, 2020

લોકડાઉન કટોકટીમાં શ્રમિકો પ્રત્યેની ઉપેક્ષા



૧૪મી એપ્રિલે લોકડાઉન-૨ની જાહેરાત થઇ ત્યારથી સુરત અને મુંબઈ જેવા શહેરોમાંથી પરપ્રાંતીય શ્રમિકોમાં ઉભા થઇ રહેલા આક્રોશના સમાચાર આવી રહ્યા છે. ૨૦મી  એપ્રિલે સરકારે ઘણી છૂટછાટની જાહેરાત કરી છે. સ્થળાંતરિત  શ્રમિકોમાં પણ રાજ્યની સરહદની અંદર પ્રવાસ કરવાની છૂટ મળી પણ આંતર રાજ્ય શ્રમિકોને પોતાના વતન પાછા જવાની છૂટ મળી નથી. અત્યારે તો જે તે રાજ્યનું  પોલીસ તંત્ર તેમને તેઓ જ્યાં છે ત્યાં રોકી રહયુ છે. આજની તારીખ સુધી શ્રમિકોને રેશન નહિ મળવાના, પગપાળા પાછા જવાના, થાકને કારણે રસ્તામાં થતાં મૃત્યુના, કે પછી પોલીસ દ્વારા અટકાયતના સમાચાર આવી રહ્યા છે. મંગળવારે મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારને પરપ્રાંતીય શ્રમિકોને તેમના ઘરે પરત મોકલવા ખાસ રેલ્વેની વ્યવસ્થા ગોઠવી આપવાની વિનંતી કરી છે. એનો અર્થ એ થયો કે શ્રમિકો જ્યાં છે ત્યાં હજુ લાંબુ રોકાઈ રહેવા તૈયાર નથી, અને જો આ પરિસ્થિતિ લાંબી ચાલી તો આક્રોશ મોટું સ્વરૂપ લે તેવો ભય છે. 


૨૨ માર્ચથી આજ સુધી કોરોના સામેની લડાઈના આયોજનમાં શ્રમિકો પર પડનારી અસરો અંગે કાંઈ ખાસ વિચારાયું હોય એવું એવું દેખાતું નથી. એમનો વિચાર અને એમના પ્રત્યેની ચિંતા પ્રશ્ન ઉભો થયા પછીની છે. અને મોટે ભાગે એનો ઉપાય પણ માત્ર ભોજન પૂરું પાડવા પુરતો મર્યાદિત રહ્યો હોય એવું પ્રથમ દ્રષ્ટીએ લાગી રહ્યું છે. પ્રશ્ન માત્ર પેટની ભૂખનો નથી. પણ, આત્મ સન્માનનો અને નાગરિક તરીકેના સમાન અધિકારનો છે. આ મુદ્દો લોકડાઉન પહેલાં પ્લેન, ટ્રેન કે નીજી કારમાં પોતાના ઘરે, સ્વજનો પાસે પહોંચી ગયેલા મધ્યમવર્ગીય લોકોને નથી સમજાતી કે નથી સરકારમાં પુરતી સંવેદનશીલતા જણાતી. 


૧૪મી એ સાંજે સુરતના શ્રમિકોએ લોકડાઉનની અવજ્ઞા કરી રસ્તા પર આવી ગયાનાં સમાચાર આવ્યા, જેમાં લોકો  ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદ કરતા દેખાયા. સુરતથી આવતાં સમાચાર પરથી લાગે છે કે ત્યાં અપૂરતા અને હલકી ગુણવત્તા વાળા ભોજનની સમસ્યા નિમિત્ત માત્ર બની છે. મૂળમાં પરપ્રાંતીય શ્રમિકોનાં મનમાં તરછોડાયાની ભાવના વધુ પ્રબળ હોય એવું વર્તાઈ રહ્યું છે. પહેલાં લોકડાઉન વખતે પણ એમને ઘરે જવાનો મોકો ના મળ્યો અને અમીરોમાંથી આવેલી બીમારીમાં તેઓ ફસાઈ ગયાની ભાવના આવી. નાના ઉદ્યોગોમાં કામ કરતાં શ્રમિકોને તેમનું વેતન પણ ના મળ્યું. ઉદ્યોગના માલિકોના ઈરાદા પર શંકા નથી. તેમના ધંધા પણ અટકી પડ્યા છે એટલે નાણાની તરલતાનો અભાવ એમને પણ નડ્યો છે જેને કારણે તેઓ કારીગરોને વેતન ચૂકવી નથી શક્યા. આ વાત સમજાય એવી છે તો પણ એની જીવન-મરણની અસરતો કામદારોને જ પડવાની છે.  લોકડાઉનની જાહેરાત થયા પછી સરકાર તરફથી રાહત કામગીરીની જાહેરાત બે દિવસ  પછી થઇ. ભોજન અને રાહત સામગ્રીનાં વિતરણની ગોઠવણ થતાં અઠવાડીયાથી વધુ સમય નીકળી ગયો. સ્વૈચ્છિક સંસ્થાઓ અને પરગજુ લોકો એ ઘણી બધી જવાબદારી કોઈની રાહ જોયા વિના પોતાના ખભે ઉપાડી લીધી. શ્રમ મંત્રાલય તરફથી વેતન નહિ કાપવા બાબતે એક માત્ર સુચન આવ્યું. એ સિવાય શ્રમ મંત્રાલય – રાજ્ય તેમજ કેન્દ્રના - તરફથી કયા પગલાં લેવાયા એ અંગે કોઈ માહિતી મળતી નથી. કેન્દ્રીય શ્રમ મંત્રાલય તરફથી વેતન સંબંધી ફરિયાદો સાંભળવા માટેના કંટ્રોલ રૂમની વ્યવસ્થા છેક ૧૪મી એપ્રિલે થઈ. વોટ્સેપ, ઈમેઈલ અને ફોનથી ફરિયાદો નોધવાની આ ચહેરા વિહીન પદ્ધતિ લોકોને કેટલો ભરોસો અપાવી શકશે એ તો સમય જ કહેશે, વળી, આ કંટ્રોલ રૂમ ફરિયાદ સાંભળ્યા પછી એનું નિરાકરણ કઈ રીતે લાવશે એ ખબર નથી.


આપણા દેશમાં કરોડોની સંખ્યામાં સ્થળાંતરિત શ્રમિકો છે જેના વિગતે આંકડા સરકાર પાસે છે. લોકડાઉન સાથે આર્થિક ચક્રો બંધ થાય અને એની વિપરીત અસર આ ગરીબ વર્ગ પર પડે એટલી સમજ તો આ દેશનું નેતૃત્વ સંભાળનાર કોઈ પણ વ્યક્તિને પડવી જ જોઈએ અને એ માટે જરૂરી આગમચેતીનાં પગલાં ભરવાની જવાબદારી જે તે મંત્રાલયને પહેલે દિવસથી જ સોંપાઈ જવી જોઈતી હતી. બધું જ કામ વડાપ્રધાન અને ગૃહમંત્રાલયના કાર્યાલયે કરવાનું ન હોય. આપણા દેશમાં કેન્દ્ર તેમજ રાજ્યના સ્તરે શ્રમ મંત્રાલય છે. આવડા મોટા સંકટનો સામનો કરવા શ્રમિકો માટેની વ્યવસ્થાનું આયોજન તેઓ કરી શક્યા હોત. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મદદ લઇ માઈક્રો પ્લાનિંગ કરવું અશક્ય ન હતું. પણ, એ માટેની ઈચ્છા શક્તિ ક્યાંથી લાવવી?


શ્રમ વિભાગ આમ પણ ઉપેક્ષિત રહ્યો છે. દેશે ઉદારીકરણની નીતિ અપનાવી એ પછી ખાસ. દેશ અને રાજ્યમાં આમ પણ કાયદા સરળ બનાવવાના નામે શ્રમ કાયદાને હળવા બનાવાઈ રહ્યા છે.  નવા લેબર કોડ અમલ થવાની અણી પર છે જેનાથી  શ્રમિકોની સામુહિક વાટાઘાટની ક્ષમતા વધુ નબળી પડવાની આશંકા છે.  વિકાસના મોડેલ સમા ગુજરાતમાં શ્રમ વિભાગ સાથે ઓરમાયું વર્તન જ થતું આવ્યું છે. લેબર ઈન્સ્પેકટરે કામના સ્થળની તપાસની મહેનત ના કરવી પડે એટલે ઉદ્યોગો જ શ્રમ કાયદાના પાલન અંગે સ્વઘોષણા કરી દેતા હોય છે – અને તે પણ ઓનલાઈન. શ્રમ વિભાગમાં પાછલાં ઘણાં વર્ષોથી સ્ટાફની સંખ્યા જરૂર કરતા ખૂબ ઓછી હોય છે  એટલે સામાન્ય કામ પણ ટલ્લે જ ચડતા હોય છે. સરકારી યોજનાનો લાભ મેળવવા પણ શ્રમિકોને અનેકવાર ધકકા ખાવા પડે એ સામાન્ય ઘટના છે, અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિક માટેતો મુસીબત અનેક ગણી વધતી હોય છે. શ્રમિકો પ્રત્યે તંત્રની લાગણી શૂન્યતા અત્યારે કટોકટીના સમયે સપાટી પર આવી છે.


ગરીબ શ્રમિકો પ્રત્યે નઠારા થઇ ચુકેલા તંત્રમાં કેરાલાનું મોડેલ થોડી આશા જગાવે છે. કેરાલામાં દેશના સૌથી વધુ રાહત શિબિર ચાલે છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપેલા રીપોર્ટ મુજબ દેશના કુલ ૨૨૫૬૭  રાહત શિબિરમાંથી ૧૫૫૪૧ એટલે કે ૬૮.૮ ટકા તો માત્ર કેરાલામાં છે. આ શિબિરોનું કામ ત્યાંના શ્રમ મંત્રીએ પોતાના હાથમાં લઇ લીધું છે. સ્થળાંતરિત શ્રમિકો હવે ત્યાં મહેમાન શ્રમિક કહેવાય છે. માત્ર સંબોધન બદલવાથી અભિગમમાં મોટો ફર્ક આવ્યો છે. પરપ્રાંતીય શ્રમિકોને ભોજનની બહુ મોટી સમસ્યા હોય કારણકે દરેક પ્રાંતની ખાવા-પીવાની તેવો અલગ અલગ હોય. પોતાના સ્વાદ પ્રમાણેનું ભોજન આટલા લાંબા સમય સુધી ના મળે ત્યારે ઘરની યાદ બમણા જોરથી આવે. અને આક્રોશ વધુ ઉછળે. આ પરિસ્થિતિને સંભાળવા, કેરાલામાં બને ત્યાં સુધી દરેક વ્યક્તિને સિધુ સામગ્રી આપવામાં આવી રહી છે જેથી દરેક જન પોતાને અનુકુળ સ્વાદ મુજબની રસોઈ બનાવીને જામી શકે. જેમની પાસે રાંધવાની સગવડ નથી તેમને માટે હવે ઉત્તર ભારતીય ભોજન પીરસાય છે. આ સાથે શિબિરમાં કેરમ અને પત્તા આપવામાં આવ્યા છે જેથી નવરાશના આટલા બધા સમયમાં કરવાને કોઈ પ્રવૃત્તિ રહે. તેમજ દરેકને ફોન રીચાર્જ કરી આપવામાં આવ્યા છે જેથી તેઓ પોતાના કુટુંબીજનોના સંપર્કમાં રહે. આટલી સુવિધા આપવાથી જ્યારે લોકડાઉનનાં બીજા દોરની જાહેરાત થઇ ત્યારે ઘરે પાછા જવાની માંગમાં તીવ્રતા ન હતી.


કેરાલાના મોડેલ પરથી દેખાય છે કે જો રાજ્ય સરકાર શ્રમિકોના પ્રશ્નોને માનવીય ધોરણે સમજવા જેટલી સંવેદનશીલતા દાખવી રચનાત્મક ઉપાયો શોધી એનો યુદ્ધના ધોરણે અમલ કરવાની જરૂર છે.


અમૃતોત્સવ નિમિત્તે બળાત્કારીઓની સજામુક્તિ....

                                                       (છબી સૌજન્ય: Hindustantimes.com) જ્યારે નિર્ભયા પર બળાત્કાર થયો ત્યારે આખા દેશે એકજુટ...