ક્રાંતિકારી તૃપ્તિને છાજે તેવી તેની અંતિમયાત્રા.
તૃપ્તિ એ આપણી વચ્ચે થી ૨૬મી મે ના રોજ વિદાય
લીધી. ગુજરાતમાં માનવ અધિકારનું પાયાનું કામ કરનાર તૃપ્તિ દોઢ વર્ષથી કેન્સર સામે
ઝઝૂમી રહી હતી. છેલ્લાં દિવસો સુધી શરીરે સાથ આપ્યો એમ એણે કામ ચાલુ રાખ્યું. એણે કેન્સર
સામેનો સંઘર્ષ છોડ્યો નહિ પણ રોગને, એની અસાધ્યતાને અને એના પરિણામને સ્વસ્થતાથી
સ્વીકારી લીધા હતાં. જયારે કેન્સરનું નિદાન થયું ત્યારે એક હળવાશ ભરી પળે એણે એક
મિત્રને કહ્યું હતું કે “આપણે કેહતા જ રહ્યાં છીએ કે આ પ્રદુષણ યુક્ત પર્યાવરણથી
કેન્સરની શક્યતા વધી જાય છે, જુઓને આતો આપણને જ થઇ ગયું.” હું આમ કહેતી તૃપ્તિની
કલ્પના કરું છું ત્યારે પણ એનો હુંફાળો સસ્મિત ચહેરોજ દેખાય છે. આવું વિધાન પણ એની
સમાવર્તી સમજનું જ પરિણામ સ્તો !! ‘હું જ કેમ?’’ ‘મારી જ સાથે આવું કેમ?’ એવાં સ્વકેન્દ્રી
સવાલો નહિ, પણ ભોગ બનનાર અન્ય કોઈની જેમ આપણે પણ હોઈજ શકીએ છે એ વાત નો તટસ્થતા
પૂર્વક સ્વીકાર.
બાળપણથી તૃપ્તિ અમારે માટે રોલ મોડેલ જેવીજ
ભૂમિકામાં હતી. એના માતા-પિતા (ઠાકોરભાઈ અને સૂર્યકાન્તાબેન શાહ) સાથે મારા
માતા-પિતા (ઘનશ્યામભાઈ અને કલ્પનાબેન શાહ) નો ઘનિષ્ટ કૌટુંબિક સંબંધ. અમે સૌ જોડે
મોટાં થયાં. અમારી પેઢીમાં એ સૌથી મોટી અને ખુબ પ્રતિભાશાળી એટલે સ્વાભાવિક રીતે
અમારા મનમાં એને માટે ખુબ આદર. હું જયારે વડોદરા ભણવા ગઈ ત્યારે એમનું જગમાલની
પોળનું ઘર મારે માટે હંમેશા ખુલ્લું રહેતું. હું ઘણી વાર ત્યાં પહોચી જાઉં અને
ત્યાજ રોકાઈ પડું. હું એમના ઘરે
પહોચી જાઉં એટલે ‘આવ ને..’ નો રણકો મને આવકારે. એ સમય દરમ્યાન સાગબારા બળાત્કાર
કેસ પૂરો થયો હતો અને એ સહિયરને આકાર આપવામાં ગળાડૂબ હતી. સાથે સાથે ‘મંથન’ યુવા
સંગઠન માં પ્રવૃત્ત. હું પણ આ પ્રવૃત્તિઓમાં જોડાતી ગઈ. અમે સૌએ ભેગા થઇ ને “દીકરી
આવી રે...” નાટક કરી સહિયર માટે ફંડ ભેગું કર્યું, અલબત્ત સમગ્ર આયોજનની મુખ્ય
શિલ્પી એજ હતી. ત્યારબાદ સહિયર અને મંથનમાં ઘણાં કામ અમે જોડે કર્યાં. ૮ માર્ચની
નિયમિત ઉજવણી, ભ્રુણહત્યા વિરોધી અંદોલન
અને જાતી પરીક્ષણ પર પ્રતિબંધની માંગ, આંબેડકર નગર ઝુંપડા વાસીઓના રહેણાંક હક્ક
માટે આંદોલન, નાનાપુરા ગામમાં રસ્તો બનાવવાનું કામ, કોમી હિંસા વખતે વસ્તીઓમાં
જઈને કરેલા કોમવાદ વિરોધી નાટકો, ‘પરિવર્તન’ સાથે કરેલ શેરી નાટ્ય મહોત્સવ, માંડલ
પંચની ભલામણ પછી અનામત વિરોધી આંદોલન દરમ્યાન પત્રિકાઓ લખેલી અને વહેચેલી અને એવું બીજું ઘણું બધું. આ દરમ્યાન જ એ અને રોહિત મળ્યાં અને તેમણે જીવન સાથે વિતાવવાનું
નક્કી કર્યું. મને યાદ છે અમે સૌએ કુદકાઓ મારી-મારી ને તાળી વગાડી હતી અને એમના
નિર્ણયને વધાવી લીધો હતો.
આ દરમ્યાન અમે એક ગીત ગાતા.. “અમે ચાલતાં
રહ્યાં...પંથ હો વેરાન હો.. ચરણ ચિન્હ ચાંપતા રહ્યાં...” કદી ના અટકવાનું ગીત.
મૃત્યુ પણ આવે તોય કામ અટકવું ના જોઈએ એવાં જોશનું ગીત. પ્રત્યેક જીવન નું મૃત્યુ
નિશ્ચિત જ છે. અને તોય જીવન તો ચાલ્યા જ
કરે છે. આ ફિલોસોફી તૃપ્તિ અને રોહિત બંને સમજી ને જીવ્યાં છે. તૃપ્તિએ સૌ
મિત્રોને સંબોધીને છ એક મહિના પહેલા એક પત્ર લખ્યો હતો. સમગ્ર લખાણમાં જીવનના સાતત્યનો ભાવ
હતો. જીવનમાં જે કરવા ધાર્યું એ કાર્ય કર્યાનો સંતોષ વ્યક્ત કરવાની સાથે આગામી
સમયમાં કરવાના બાકી કામોની યાદી હતી. આ સાથે એણે એની આજુબાજુ ધબકતા જીવન નું વર્ણન કર્યું
હતું. હોસ્પીટલના બિછાનેથી માતા સાથે ગેલ કરતા વાનર બચ્ચાની ચેષ્ટાઓ માણવાનું એ
કેન્સરના દર્દ સાથે પણ ચુકી નહિ. બાજુના વોર્ડમાંથી આવતા નવજાત શિશુના રુદનનો અવાજ
સાંભળી એને ધવડાવવા માં મુંઝાતી માતાની મદદ કરવાનું એને સહજ સ્ફૂર્યું હતું. આજ
તૃપ્તિ હતી, જીવન માત્રને વધાવનારી, જીવન માત્ર પ્રત્યે સંવેદનશીલ.
તૃપ્તિની અંતિમયાત્રા એના કામ અને વિચારધારાને
છાજે એવીજ રહે એની રોહિતે (તૃપ્તિના જીવન સાથીએ) પુરતી કાળજી રાખી. ખુબ
હિંમતપૂર્વક અને પૂરી સ્વસ્થતા સાથે સમગ્ર આયોજનની જવાબદારી એણે પોતેજ સંભાળી.
એટલેજ આવા પ્રસંગોમાં સામાન્ય રીતે જે ધાર્મિક ભાવો છવાઈ જતા હોય છે તે ખુબજ
વિનમ્રતાપૂર્વક અસ્થાને થઇ ગયા. અને ક્રાંતિકારી વાતાવરણ જળવાઈ રહ્યું.ગુજરાતભર થી
સૌ સ્વજનો ભેગા થયા હતા. સ્વજનો એટલે કુટુંબી જનોતો ખરાજ પણ સાથે સાથે ગુજરાતભરમાનવ
અધિકાર માટે નિસ્બત ધરાવનારા લોકો. એમાં ગાંધીવાદી ઝોક ધરાવનારા સર્વોદયી કાર્યકરો
પણ હતા, ડાબેરી વિચારધારાથી રંગાયેલા કોમરેડ પણ હતાં તેમજ માત્ર તૃપ્તિની
સંવેદનાથી ભીંજાયેલા આત્મજન પણ હતા. સૌના મન ભારે હતા, અને આંખો પણ ભીની હતી પણતૃપ્તિને
જોમવંતી વિદાય આપવાની હતી.સહિયરની કાર્યકર બહેનોએ સહિયરનું બેનર ઓઢાડ્યું. કોઈ ફૂલ
કે ધૂપની જરૂરજ ક્યાં હતી, બેનરના જાંબલી
રંગ માંજ જરૂરી રંગ અને સુગંધ ભળેલાં હતાં.મિત્ર ચારુલ અને વિનયે અંજલી આપવા
આશાવાદી ક્રાંતિકારી ગીતો ગાયાં. “હમ લોગ: વી ધ પીપલ....” ભારતના બંધારણના સર્વ
સમાવિષ્ટ ભાવને રજુ કરતું આ ગીત અને ત્યાર બાદ કિશોરકુમારનું “આ ચલ કે તુઝે, મેં
લેકે ચલુ...” સૌએ ભેગા થઇ ને ગાયું. વિચારધારા કોઈ પણ હોય પણ ત્યાં મોજુદ સૌ આ જ સપનાં
થી જોડાયેલાં હતા એટલે તાળીના તાલે સૌ એના ભાવમાં રંગાયા. નિર્ધારિત સમયે શબવાહિની
આવી ત્યારે સૌ શિસ્તબદ્ધ બે હરોળ બનાવી ઉભા રહ્યાં. પતિ રોહિત, પુત્ર માનવ, ભાઈ
ચિરાગ, તેમજ સહિયર દિપાલી અને શિલ્પા એ
કાંધ આપી. સૌ એ તૃપ્તિને માટે ક્રાંતિકારી સલામ પાઠવી. એની બીમારી ને કારણે
હોસ્પીટલે એના મૃતદેહને સ્વીકાર્યો નહિ, એટલે દેહદાનની એની ઈચ્છાનો આદર ન થઇ
શક્યો. એના દેહની અંતિમક્રિયા કારેલીબાગ ખાતેના સ્મશાનમાં ક્રાંતિકારી સલામ સાથે
કરવામાં આવી.
તૃપ્તિ આજે દૈહિક રીતે આપણી વચ્ચે નથી. પણ ન્યાયપૂર્ણ
સમાજ માટે એણે શરુ કરેલ સંઘર્ષ માટે લાંબી મજલ બાકી છે. એની વિદાયથી જરૂર એક ન પુરી શકાય તેવી મોટી ખોટ પડી છે. પણ
સંઘર્ષ અટક્યો નથી. તૃપ્તિના જીવન અને કામેં ઘણાંને પ્રેરણા આપી છે. અને ભવિષ્યમાં
પણ એ પ્રેરણા આપતાં રહેશે. સલામ તૃપ્તિ. તું હંમેશા અમારી સાથેજ હોઈશ.
(૧ જુન૨૦૧૬ નાં 'નિરીક્ષક' સામાયિકમાં છપાયેલો લેખ)